- કોરોનાના વધતા જતા કેસને લઇને વેપારીઓનો મોટો નિર્ણય
- રાણીપ, ગોતા, ચાંદલોડીયા વિસ્તારમાં બપોરે 3 વાગ્યા બાદ તમામ દુકાનો દેખાય બંધ
- વેપારી મંડળે સ્વયંભૂ લોકડાઉન કરી જાહેરાત
અમદાવાદ: રાજ્યમાં સૌથી વધુ સંક્રમણ અમદાવાદ શહેરમાં ફેલાયેલું છે. કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે લોકો તંત્રની સાથે સતત પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હવે કોરોનાના કેસ જ્યારે 10 હજારની પાર પહોંચી ગયા હોવાથી અને રોજના 100થી વધારે લોકોના મોત થઈ રહ્યા હોવાથી વેપારી મંડળો દ્વારા જાતે જ દુકાનો બંધ રાખી સંક્રમણ ફેલાતું અટકાવવાનું નક્કી કર્યું છે.
ડેરીઓ અને દવાની દુકાનો ખુલ્લી દેખાઈ
અમદાવાદના ચાંદલોડીયા, ઘાટલોડીયા, ગોતા, રાણીપ, ન્યુ રાણીપ, આરટીઓ તેમજ સાબરમતી વિસ્તારમાં બપોરે 3 વાગ્યા બાદ મોટાભાગની દુકાનો બંધ થઈ હતી અને વેપારી એસોસિયેશને આપવામાં આવેલા સ્વૈચ્છિક લોકડાઉનમાં સહયોગ આપ્યો હતો. બપોરના સમયે શાક-માર્કેટ પણ બંધ રાખવામાં આવી હતી. જ્યારે સાંજે 6 વાગ્યે ફરીથી શાક-માર્કેટ ખોલવામાં આવી હતી અને આઠ વાગ્યે ફરીથી બંધ કરી દેવામાં આવી હતી. સાંજના સમયે ડેરીઓ અને દવાની દુકાનો ખુલ્લી દેખાઈ હતી.
આ પણ વાંચો: બનાસકાંઠાના નેનાવામાં ગામના આગેવાનો અને સરપંચ દ્વારા સ્વયંભૂ લોકડાઉન
3 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો
સાબરમતી વેપારી મહાજન દ્વારા સાબરમતી વિસ્તારમાં 3 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય હાલ 30 એપ્રિલ સુધી લાગુ કરવામાં આવ્યો છે. તેમાં સાબરમતી વિસ્તારમાં માત્ર દવાની દુકાનો જ 24 કલાક ખુલ્લી રહે તે માટે નિર્ણય લેવામાં આવેલો છે. દૂધ અને શાકભાજી પણ સવારના સમયે જ વેચવા માટે વેપારીઓને આહવાન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: પાટણ જિલ્લામાં એક સપ્તાહનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર
સ્વૈચ્છિક લોકડાઉનમાં દુકાનદારોએ આપ્યો સહયોગ
ગયા શનિવાર અને રવિવારના રોજ પણ અમદાવાદના મોટાભાગના વેપારી મંડળો દ્વારા દુકાનો બંધ રાખવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં વેપારીઓએ સમર્થન પણ આપ્યું હતું અને દુકાનો પણ બંધ રાખી હતી ત્યારે શનિ અને રવિવારના રોજ મળેલા સમર્થન બાદ 3 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વેપારી મંડળ દ્વારા આપવામાં આવેલા સ્વૈચ્છિક લોકડાઉનમાં દુકાનદારો દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. આ સાથે-સાથે બેન્કો અને હોસ્પિટલ, દવાની દુકાનો, લેબોરેટરી ખુલ્લી દેખાય હતી.