અમદાવાદઃ આઈક્રિએટ જેવી સંશોધન સંસ્થામાં અવનવા સંશોધન થાય છે કે જે લોકોપયોગી બની શકે. હાલમાં અહીં આંધ્રપ્રદેશના ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલી બાઈસીકલ ઘણાંનું ધ્યાન ખેંચી રહી છે. આ ઇ-બાઇસીકલની વિશિષ્ટતા એ છે કે તે 150 કિલો સુધીનો પે-લોડ ખમી શકે છે. ખાસ કરીને ગામડાગામના વ્યક્તિઓ, ખેતરમાં કામ કરતાં ખેડૂતો અને મજૂરી કરતાં લોકોને આ બાઈસીકલ ખૂબ જ ઉપયોગી બની શકે તેમ છે.
પર્યાવરણની ચિંતા કરતા ઓફિસના કર્મચારીઓ માટે પણ આ ખૂબ જ ઉપયોગી છે. આ બાઈસીકલ લિથિયમ આયન બેટરી અને 250 વોલ્ટની મોટર પર આધારિત છે. આશ્ચર્યની વાત એ છે કે બાઈસીકલને ફોલ્ડ પણ કરી શકાય છે. એટલે તમે કામના સ્થળે લઇ જઇને તેને ફોલ્ડ કરીને એક જગ્યાએ મૂકી પણ શકો છો. એક વખત બેટરી ચાર્જ દ્વારા આ બાઈસીકલ 40 થી 70 કિલોમીટર દોડે છે. આ પ્રોજેક્ટ 2019ની વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી સમિટમાં મોબિલિટી ક્ષેત્રમાં રનરઅપ રહી હતી. તે 25 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. જ્યારે બ્રેક લગાવવામાં આવે ત્યારે મોટર સાથેનો ઇલેક્ટ્રિક સપ્લાય બંધ થઈ જાય છે. બેટરીનું સ્ટેટસ જાણવા માટે ઈલેક્ટ્રીક ડિસ્પ્લે પણ આપવામાં આવી છે. આ બાઇસીકલને પેડલ દ્વારા મેન્યુઅલી પણ ચલાવી શકાય છે.
અત્યારે આ ઇ- બાઇકને માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે. જે રૂપિયા 36,000 માં મળી શકે છે. પરંતુ લોન્ચિંગ સ્કીમમાં 999 રૂપિયાથી બૂકિંંગ કરવાથી તમને ટોટલ 32000 રૂપિયામાં પડે છે. આ સાઈકલની સંપૂર્ણ ફ્રેમ કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવી છે અને તે 150 કિલો સુધીના વજનનું વહન કરી શકે છે. એટલા માટે આ કિંમત નિર્ધારિત કરવામાં આવી છે.