અમદાવાદઃ ઉત્તરપ્રદેશના હાથરસ કાંડના પીડિત પરીવારને મળવા જતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અટકાવવામાં આવ્યા હતા. આ દરમિયાન યુપી પોલીસ અને રાહુલ ગાંધી વચ્ચે ખેંચતાણ થઈ હતી. તે સમયે રાહુલ ગાંધી અચાનક જમીન પર ફસડાઈ પડ્યા હતાં. જેના કારણે હવે રાજ્યમાં ઠેર-ઠેર કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
UPમાં રાહુલ ગાંધી સાથેના દુરવ્યવહારના પગલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ UPની યોગી સરકાર પર ગંભીર આરોપ લાગાવ્યા છે. અમિત ચાવડાએ જણાવ્યું કે, UPમાં રાહુલ ગાંધી સાથે ધક્કામુક્કી થઈ હતી. તેમણે કહ્યું કે UPની યોગી સરકાર ગુનેગારોને છાવરી રહી છે. જેના કારણે ગુનેગાર બેફામ થઈ ગયા છે.
અમિત ચાવડાએ હાથરસ ઘટના અંગે નિવદન આપતા કહ્યું કે, ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી પર દુષ્કર્મ કરી તેને માર મારવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું. અમિત ચાવડાએ આરોપ લગાવતા કહ્યું કે, પરિવારને મૃતદેહ સોંપ્યા વગર જ યુવતીનો અંતિમ સંસ્કાર કરાયો હતો. વધુમાં તેમણે કહ્યું કે, આ ઘટનાને લઈ જ્યારે કોંગ્રેસ પક્ષ આજે પરિવારને શાંતવના અને હિંમત આપવા માટે મળવા જઈ રહ્યું હતું. ત્યારે રાહુલ ગાંધી સાથે UP પોલીસે દુર્વ્યવહાર કર્યો હતો. આ કોઈ રાજકીય કાર્યક્રમ કે પ્રવાસ ન હતો. રાહુલ ગાંધી પીડિત પરિવારને સાંત્વના આપવા જઈ રહ્યા હતા. પરંતુ સરકાર આ બાબતને કેમ દબાવી રહી છે. જે પ્રસ્થાપિત થઈ રહ્યું છે કે યુપી સહિત દેશમાં ભાજપની સરમુખત્યાર શાહી ચાલે છે. કોંગ્રેસ અંગ્રેજોના અત્યાચાર સામે લડી હતી. હવે સરકાર સામે લડવાનું છે. સરકારનો ચેહરો બહાર આવ્યો છે. સરકારને પોતાની ચિંતા છે. ગુજરાત અને દેશની દીકરીઓ સુરક્ષિત નથી તે સ્પષ્ટ છે. તેમછતાં સરકારને દીકરીઓની ચિંતા નથી. આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. જેને લઈ કોંગ્રેસ આગામી દિવસોમાં રોડ-રસ્તા પર આવી કાર્યક્રમ કરશે. એટલે કે કોંગ્રેસ હવે દીકરીઓની સુરક્ષાને લઈ સરકાર સામે ફરી એક વાર બાયો ચઠાવશે તે નિશ્ચિત છે.