સાણંદ APMC ખાતે એક સાથે 5500થી વધુ વિધવા બહેનોને એક સાથે આપવામાં આવેલા સહાયના હુકમના કારણે આ ઘટના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરીકે નોંધવામાં આવી છે. શાહે જણાવ્યું કે 2024 સુધીમાં ઘરે ઘરે પીવાનું શુદ્ધ પાણી મળશે. સાણંદ મત વિસ્તારમાં વિકાસલક્ષી કાર્યોની વાત કરવામાં આવે તો સ્કાડા પાણી પુરવઠા પ્રોજેક્ટ, જાહેર માર્ગો પર CCTV કેમરા, સ્ટેશન રોડ પર LED પોલ, સોલર - રૂફ, લક્ષમણા તળાવ ડેવલોપમેન્ટ સહિતના કાર્યનું લોકાપર્ણ કર્યું હતું.
પ્લાસ્ટીક મુક્ત ભારત પર ભાર આપતા અમિત શાહ સહિત હાજર તમામ પ્રતિનિધિમંડળ અને લોકોએ ઉભા થઈને પ્લાસ્ટીકની થેલીનો નહિ પરંતુ કાપડની થેલીનો ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. આરોગ્ય ક્ષેત્રે વાતચીત કરતા શાહે કોગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, 55 વર્ષમાં કોગ્રેસની 4 પેઢી વાળી સરકારે આ દેશ માટે કંઈ કર્યું નથી, જ્યારે 2014માં મોદી વડાપ્રધાન બન્યા બાદ મા-અમૃતમ, મા-વાત્સલય અને આયુષ્માન ભારત જેવી યોજના લઇ આવી આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિકારી નિર્ણયો કર્યા છે. પતિ ગુમાવવાથી વિધવા બનેલ બહેનો નિ-સહાય થઈ જતી હોવાથી તેમને મહિને 1200 રૂપિયા પેન્શન આપવાની સરકારની યોજનામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે દિકરો 18 વર્ષનો થાય ત્યાં સુધી નહિં પરંતુ બહેન જીવે ત્યાં સુધી પેન્શન આપવાનું રાજ્ય સરકાર નક્કી કર્યું છે.
કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, કાયદા પ્રધાન પ્રદિપસિંહ જડેજા, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, અમદાવાદ કલેક્ટર વિક્રમ પાંડે સહિત અનેક કોર્પોરેટર અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.