અમિત શાહે અમદાવાદ મહાનગરપાલિકા અને ઔડાના ૮૦૦ કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ, ભૂમિપૂજન અને આવાસ ફાળવણી ડ્રોનાં કાર્યક્રમમાં હાજરી આપી હતી. ગૃહપ્રધાને દિપાવલીના ઉજાસ પર્વને ૪,૪૩૯થી વધુ પરિવારો માટે ઘરના ઘરનું ઉજાસ પર્વ બનાવવા માટે મહાપાલિકાને અભિનંદન પાઠવ્યા હતાં. ગૃહપ્રધાને ગાંધીનગર મત વિસ્તારને વિકાસ કામો થકી દેશના તમામ લોકસભા મત ક્ષેત્રોમાં ઉત્તમ સંસદીય વિસ્તાર બનાવવાની સંકલ્પ લીધો હતો. વડાપ્રધાને દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂરા થાય તે પહેલાં દેશમાં સૌને મકાન સહિત પાયાની સુવિધાઓ આપવાનું અભિયાન છેડ્યું છે. ૩ કરોડ લોકોને રહેવાના પાકા મકાનો આપ્યા છે, એટલું જ નહિ વીજળી, શૌચાલય, ગેસ કનેક્શન, આયુષ્યમાન ભારતના આરોગ્ય કાર્ડ આપીને પાયાની સગવડો પહોંચાડી છે. હવે ઘરે ઘરે નળથી પાણી પહોચાડવાનો સંકલ્પ પણ સાકાર થવાનો છે.
અમિતભાઈ શાહે વિપક્ષ કોંગ્રસના શાસનમાં ૭૦ વર્ષ સુધી દેશના સામાન્ય ગરીબ માનવીને આવી પાયાની સગવડથી વંચિત રહેવું પડેલું તેની આલોચના કરતા જણાવ્યું કે, ગરીબી જેણે જોઈ હોય દુઃખ વેઠ્યું હોય તે જ ગરીબની વેદના સમજી શકે, ગરીબ કલ્યાણના કામો ઉપાડી શકે. આજે ભારતનું સ્થાન એવું છે કે, વિશ્વમાં પર્યાવરણ, આતંકવાદ, કૂટનીતિ જેવી મહત્વની બાબતોમાં ભારતના વડાપ્રધાનના મંતવ્યની નોંધ લેવાય છે. સર્જીકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક કરીને અને આતંકવાદીઓના ઘરમાં ઘૂસી સફાયો કરવાના નિર્ણયોથી વડાપ્રધાન મોદીએ ભારતની ક્ષમતાનો વિશ્વને પરિચય કરાવ્યો છે.
આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, રૂપિયા ૮૦૦ કરોડથી વધુના વિકાસ કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ કેન્દ્રીય ગૃહપ્રધાનના હસ્તે થયા છે, તે આપણા સૌ ગુજરાતીઓ માટે આનંદની વાત છે. ગુજરાત અને ગુજરાતના વિવિધ શહેરોની વિકાસયાત્રા વર્ષોથી વણથંભી ચાલી રહી છે. ગુજરાતમાં વિકાસના કામો થયા છે અને થઈ રહ્યા છે. આજે વિશ્વના આધુનિક શહેરોમાં ગુજરાતના શહેરોની ગણના થઇ રહી છે. વિશ્વના મોસ્ટ ગ્રોઈંગ સિટીમાં આપણા મુખ્ય શહેરોનો સમાવેશ થયો છે. સરકાર દ્વારા સીટીની ટ્રાફિક સમસ્યા, પર્યાવરણ વગેરે બાબતોને ધ્યાનમાં રાખી રહેવા લાયક અને માણવા લાયક નગરોના નિર્માણ થાય છે, આ વિકાસ શહેરનો હેરિટેજ દરજ્જો જળવાય તે રીતે થઈ રહ્યો છે.
મુખ્યપ્રધાને વધુમાં કહ્યું કે, બે વર્ષમાં ૨૦૦થી વધુ ટી.પી. સ્કીમ મંજૂર કરાઈ છે. આ પ્રસંગે રાજ્ય સરકાર વતી ગુજરાતની સમગ્ર જનતાને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે અમદાવાદ મેયર બિજલબહેન પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, વર્તમાન સરકાર નગર-વિકાસના વિવિધ કામો કરી પ્રજાની સુખાકારીમાં વધારો કરવા પ્રતિબદ્ધ છે.