અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં નવા બનતા ફાયર સ્ટેશન સાઈટ પર મચ્છરના બ્રિડિંગ મળી આવતા સાઈટને સીલ કરી દેવામાં આવી છે. જ્યારે ગોતામાં સાપુરજી પલોનજી કનસ્ટ્રક્શન સાઈટની ઓફિસને સીલ મારી દેવામાં આવી હતી. જ્યારે અનેક સાઇટોને 1000થી લઈ 50,000 સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે. બુધવારના રોજ સાતેય ઝોનમાં આવેલી 391 જેટલી કન્સ્ટ્રક્શન સાઈટ પર ચેકિંગ કર્યું હતું. જેમાં 172 સાઈટને નોટિસ આપવામાં આવી છે અને કુલ રૂ 6.35 લાખનો દંડ વસુલ્યો છે.
અમદાવાદ મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોના ઉપદ્રવ સામે હાથ ધરાયેલી ઝુંબેશ હેઠળ મંગળવારે અલગ અલગ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં ચેકિંગ કર્યું હતું. જેમાં સાતેય ઝોનમાં આવેલી 409 હોસ્પિટલમાં ચેકિંગ કરી 205 હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે. ચેક કરેલ યુનિટ્સમાં સાઇટોમાં લીફ્ટના ખાડાઓમાં, સ્ક્રેપ મટીરીયલ્સમાં, ખુલ્લી ટાંકી, ભોંયરામાં, કંપાઉડમાં પડેલ બકૅટ, પક્ષીચાટ, ભંગાર વગેરે જગ્યા પર ચેકીંગ હાથ ધરાયું હતું. એ.એમ.સી દ્વારા મચ્છરનો ઉપદ્રવ અટકાવા માટે ફોગીંગ, જંતુનાશક દવાના છંટકાવની કામગીરી, મચ્છરના પોરા ચેકીંગ અને નાશ કરવાની કામીગરી પણ કરવામાં આવી રહી છે.