- AIMIM અમદાવાદ અને ભરૂચથી ચૂંટણી લડશે
- નિર્ણાયક સાબિત થઇ શકે છે ઓવૈસીનો ગુજરાત પ્રવાસ
- ભરૂચ અને અમદાવાદમાં જનસભા કરશે ઓવૈસી
અમદાવાદ : ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી 7 ફેબ્રુઆરીએ ગુજરાત આવવાના છે. ઓવૈસી ભરૂચમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી(BTP)ના સુપ્રીમો છોટુ વસાવા સાથે ચૂંટણી વ્યૂહરચના અંગે બેઠક કરીને રણનીતિ અંગે ચર્ચા કરશે. જે બાદ સૂત્રોના જણાવ્યા પ્રમાણે AIMIM પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓવૈસી ધારાસભ્ય છોટુ વસાવાની BTP પાર્ટી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભરૂચના ઓછામાં ઓછા 15 વૉર્ડમાં ચૂંટણી લડશે. ઓવૈસી અમદાવાદ તેમજ ભરૂચમાં પ્રચાર કરશે. AIMIM ગુજરાતના રાજકારણમાં ચોથો વિકલ્પ આપવા માટે કટિબદ્ધ છે.
ઓવૈસીની અમદાવાદ રિવરફ્રન્ટમાં જાહેરસભા
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી 7 ફેબ્રુઆરીના રોજ ગુજરાત આવી રહ્યા છે. તેમને અમદાવાદના રિવરફ્રન્ટ પર જનસભાનું સંબોધન કરશે. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહે આશા સેવાઇ રહી છે. આ ઉપરાંત એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, ઓવૈસીના ગુજરાત આગમન બાદ કોંગ્રેસથી નારાજ કેટલાક લઘુમતિ નેતાઓ પણ ઓવૈસીની પાર્ટીમાં જોડાઇ શકે છે. ઓવૈસી 7 ફેબ્રુઆરીની સવારે પહેલા ભરૂચમાં છોટુ વસાવા સાથે મળીને જનસભા કરશે. જે બાદ અમદાવાદ આવશે. નોંધનીય છે કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે ઓવૈસીની AIMIM પાર્ટી અને છોટુ વસાવવાની BTP પાર્ટી સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.