અમદાવાદ: કેન્દ્ર સરકાર તરફથી દિલ્હી એઈમ્સ હોસ્પિટલના 3 ડૉક્ટરની ટીમ અમદાવાદ આવી પહોંચી છે. આ તકે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
અમદાવાદમાં કોરોના ઘાતક બની રહ્યો છે. ગુજરાતમાં કોરોનાથી સંક્રમિત કેસની સંખ્યા 7000ને પાર થઇ ગઇ છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. જેથી રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ કાબૂમાં લઇ આવવા રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના અનુસંધાને દિલ્હી એઈમ્સના ડૉક્ટરની ટીમ અમદાવાદ ખાતે આવી પહોંચી હતી.
એઈમ્સ દિલ્હીના ડાયરેક્ટર અને વરિષ્ઠ ડૉક્ટર રણદીપ ગુલેરિયા અને ડૉ.મનીષ સુરેજા ઉપસ્થિત હતા. આ ઉપરાંત ગુજરાત આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ.જયંતી રવિ, ડૉ.પ્રભાકર સહિતના સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ તમામ ડૉક્ટરો વચ્ચે 1 કલાક જેટલા સમયની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. જેમાં સિવિલ હોસ્પિટલ દ્વારા વીડિયો પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું.
આ બેઠક બાદ સિવિલ કેમ્પસમાં આવેલા અસ્મિતા ભવનમાં અન્ય એક બેઠક યોજાઇ હતી. જેમાં રેસિડેન્ટ ડૉક્ટરો હાજર રહ્યા હતા. આ બેઠકમાં તમામ રેસિડેન્ટ ડૉક્ટરોને બહારથી આવેલા નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં કોવિડ-19માં એઈમ્સની ગાઈડલાઈન મુજબ ફરજ બજાવવી તથા ડૉકટરોએ શું તકેદારી રાખવી જોઈએ તે અંગે જણાવવામાં આવ્યું હતું.
નિષ્ણાંતો દ્વારા એક જ જગ્યાએ તમામ ICU શિફ્ટ કરીને તમામ દર્દીઓને સારવાર આપવા પણ સલાહ આપવામાં આવી હતી. કોરોનાના કારણે મૃત્યુદર વધી રહ્યો છે અને રિકવરી દર ઘટે છે, તે મુદ્દે શું કરવું જોઈએ તે અંગે પણ નિષ્ણાંત ડૉક્ટરોએ સલાહ આપી હતી.
આમ, તમામ ડૉક્ટરોની મુલાકાત બાદ યુ.એન.મહેતા હોસ્પિટલની મુલાકાત પણ ટીમ દ્વારા લેવામાં આવી હતી અને ત્યારબાદ આ ટીમ SVP હોસ્પિટલ જાય તેવી સંભાવના છે. આ ઉપરાંત ગાંધીનગર સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લઈ શકે છે.
મળતી માહિતી મુજબ, બહારથી આવેલી ડૉકટરોની ટીમ મુખ્યપ્રધાનને પણ મળશે અને જરૂરી સલાહ સૂચન આપશે. જેથી કોરોનાનું સંક્રમણ ઘટે અને ઝડપથી વાઇરસ સામે લડી શકાય.