અમદાવાદ: અમદાવાદ શહેર એક એવું શહેર જેના તમામ રસ્તાઓ વર્ષના 365 દિવસ ધમધમતાં હોય છે. પશુપક્ષીઓનો કલવર ઓછો અને માણસો અને વાહનોનો અવાજ વધુ સાંભળતો હોય છે. પરંતુ આજે એ અમદાવાદ સૂમસામ બની ગયું છે. માણસો અને વાહનોનો કલવર ઓછો અને પારેવડાંઓનો અવાજ વધુ સંભળાઈ રહ્યો છે. કોરોના વાયરસના લૉક ડાઉનથી અમદાવાદ સૂમસામ ભાસી રહ્યું છે.
સમગ્ર દેશ અને વિશ્વ આજે કોરોના સામે જંગ લડી રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસનું લૉક ડાઉન જાહેર કર્યું હતું. જેને પગલે અમદાવાદ શહેર એકાએક શાંત થઈ ગયું છે. અમદાવાદના રસ્તાઓ પર કોઈ જોવા જ નથી મળી રહ્યું. કોરોના વાઇરસની મહામારી વચ્ચે ETV Bharatની ટીમે અમદાવાદના ટ્રાફિકથી ધમધમતાં રસ્તાઓનો ચિતાર મેળવ્યો.
અમદાવાદનો ખૂબ જ પ્રખ્યાત એવો કાંકરીયા વિસ્તાર કે જ્યાં બાલ વાટિકા, પ્રાણી સંગ્રહાલય અને મોર્નિંગ વૉક કરવા લોકો મોટી સંખ્યામાં લોકો આવતાં હોય છે. પરંતુ લૉક ડાઉન હોવાથી કાંકરીયા સાવ સૂમસામ જોવા મળી રહ્યું છે. પ્રાણીસંગ્રહાલયમાં મોટી સંખ્યામાં અલગઅલગ પશુપક્ષીઓ અને પ્રાણીઓને જોવા માટે લોકો આવતાં હોય છે. પરંતુ આજે પ્રાણીસંગ્રહાલયમાં માત્ર પક્ષીઓનો જ કલવર સંભળાઈ રહ્યો છે. પક્ષીઓને એવું લાગતું હશે કે માનવી પાંજરે પુરાયો છે. તો બીજી તરફ અમદાવાદનો મણિનગર વિસ્તાર જેમાં રેલવે સ્ટેશન, BRTS બસ સ્ટેશન અને નેશનલ હાઇવે ભેંકાર થઈ ગયાં છે, આ રસ્તા પર એકલાં જતાં પણ બીક લાગે તેવા સૂમસામ રોડ થયાં છે.
આ દ્રશ્ય પરથી સ્પષ્ટ થાય છે કે અમદાવાદીઓએ લૉક ડાઉનનું સ્વૈચ્છિક પાલન કર્યું છે અને કોરોના વાયરસનું સંક્રમણ વહેલી તકે નાશ થઈ જાય તેના માટે પ્રાર્થના કરી રહ્યાં છે.