● દિવ્યાંગો માટે આશીર્વાદરૂપ અમદાવાદનું અંધજન મંડળ
● 1.5 લાખ દિવ્યાંગો સુધી મંડળની પહોંચ
● જુદા જુદા તાલુકાઓમાં મંડળની સહાયક સંસ્થાઓ
● છ દાયકાથી કાર્યરત છે સંસ્થા
અમદાવાદઃ અમદાવાદમાં દિવ્યાંગો માટે મદદનો મોટો હાથ એવી એક સંસ્થા એટલે 'અંધજન મંડળ'. અંધજન મંડળની સ્થાપના 1956માં થઈ હતી. 1964 માં તેને વસ્ત્રાપુર ખાતે શરૂ કરવામાં આવી. એટલે કે 6 દાયકાથી આ સંસ્થા દિવ્યાંગો માટે કાર્ય કરી રહી છે. આ સંસ્થાના નામથી એવું લાગતું હોય કે આ સંસ્થા ફક્ત અંધજનો માટેની સંસ્થા છે. પરંતુ ખરેખર આ સંસ્થા અંધજનો ઉપરાંત અન્ય વિકલાંગ વ્યક્તિઓ, ઉપરાંત માનસિક બીમાર વ્યક્તિઓ માટે પણ સેવા કાર્ય કરે છે.
દિવ્યાંગોને સાધન સહાય અને રાશનકીટ અપાય છે
ખાસ કરીને આ સંસ્થા દિવ્યાંગોને સાધન સહાય પૂરી પાડે છે. જેમ કે, ટ્રાઈસીકલ, રોજગારી મેળવવા માટે નાની-મોટી વસ્તુઓ, રોઝગાર ટ્રેનિંગ, મોબાઇલ ફોન વગેરે. આ ઉપરાંત દિવ્યાંગોને શિક્ષા પણ અહીં આપવામાં આવે છે. તેઓ રોજગારી મેળવી શકે તે માટેના તાલીમ વર્ગો ચલાવવામાં આવે છે. જેમ કે સિલાઈ, પ્રિન્ટિંગ, કાર્પેન્ટરી, હેંડીક્રાફ્ટ, ટ્રાઇસીકલ મેકિંગ વગેરે.આ સંસ્થા ફક્ત અમદાવાદમાં જ વિખ્યાત નથી કે અમદાવાદ શહેર પૂરતી મર્યાદિત નથી. તે ગુજરાતનાં ગામડાઓમાં પણ કાર્ય કરે છે.
ગુજરાત સરકાર અને શ્રેષ્ઠીઓની મદદ
સંસ્થાને ગુજરાત સરકાર અને ગુજરાતના ખાનગી શ્રેષ્ઠીઓ તરફથી પણ સહાય મળી રહે છે. ખાસ કરીને સંસ્થામાં ઉત્પાદિત થતા હેન્ડીક્રાફ્ટ અને કાગળની વસ્તુ સરકારી ખાતાઓમાં ખરીદાય છે. કોરોના વાઇરસના સમયે પણ અહીંથી દિવ્યાંગ વ્યક્તિઓને સંસ્થા દ્વારા માસ્કનું ઉત્પાદન અને વેચાણ કરાયું હતું , જે આજે પણ ચાલુ છે. ગુજરાતના તમામ તાલુકામાંથી 141 જેટલા તાલુકામાં આ સંસ્થાની પહોંચ છે. દર વર્ષે એક હજાર દિવ્યાંગોને આ સંસ્થા તરફથી સહાય મળે છે. ધોળકા વિસ્તારમાં દિવ્યાંગ બહેનો માટે એક નાની ફેક્ટરી કહી શકાય એવી , 'ઉષા સિલાઈ સ્કૂલ: પણ શરૂ કરાઈ છે.
અન્ય રાજ્યના લોકો આવે છે સંસ્થાની કામગીરી જાણવા
આ સંસ્થામાંથી પ્રેરણા મેળવવા અને તેનું કાર્ય જોવા માટે બીજા રાજ્યોમાંથી પણ અહીં વિઝિટ કરવા લોકો આવતા હોય છે. સંસ્થાના એક્ઝિક્યુટિવ ડિરેકટર નંદિની રાવલ જણાવે છે કે લોકો આ સંસ્થા પર વિશ્વાસ કરે છે. તેનું કારણ તેનો પારદર્શક વહીવટ અને એકાઉન્ટેબીલીટી છે. લોકડાઉનમાં ગુજરાતના અમદાવાદ સિવાયના તાલુકાઓમાં પણ તેને રાસન કીટનું વિતરણ કર્યું છે અને 25 હજાર જેટલી કિટો વહેંચવામાં આવી છે.