- કાલુપુર સ્વામીનારાયણ મંદિરમાં ચાલી રહ્યું છે શૂટિંગ
- શૂટિંગ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો થયો ભંગ
- હરિભક્તોમાં જોવા મળી નારાજગી
અમદાવાદ: કાલુપુરના સ્વામીનારાયણ મંદિર હાલ પુરતુ હરિભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે. પરંતુ કોરોના કાળમાં મંદિરમાં ગુજરાતી ફિલ્મ માટે શૂટિંગની પરવાનગી આપવામાં આવી છે, ત્યારે દર્શન માટે પ્રવેશ ન મળતો હોવાથી હરિભક્તોમાં નારાજગી જોવા મળી છે. હરિભક્તોએ પણ માગ કરી છે કે તેમને મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ અને અન્ય નિયમો સાથે પ્રવેશ આપવામાં આવે.
- નિયમોને નેવે મૂકીને થઇ રહ્યું છે ફિલ્મનું શૂટિંંગ?
અત્યારે કોરોના વાઈરસની પરિસ્થિતિમાં સોશિીયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિત અનેક નિયમોનું લોકોએ કડકપણે પાલન કરવાનું છે. પરંતુ મંદિરમાં શૂટિંગ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યાં હોય તેવો વિડીઓ સામે આવ્યો છે. ઉપરાંત શૂટિંગમાં નાના બાળકો પણ દેખાઈ રહ્યાં છે.
- નિયમોનો ભંગ થતો જણાશે તો પોલીસ કાર્યવાહી કરશે
મંદિરમાં શૂટિંગ દરમિયાન નિયમોનો ભંગ થતો હોવાનો વિડીઓ વાયરલ તો થયો છે પરંતુ આ મુદ્દે પૂછવામાં આવતાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે પોલીસ સુધી વિડીઓ આવશે અથવા કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળશે તો પોલીસ દ્વારા સ્થળ પર જઈને કાર્યવાહી કરવામાં આવશે.