અમદાવાદઃ કોરોના મહામારીએ અમદાવાદમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે શહેરની બે મુખ્ય મોટી સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઈ રહી છે જ્યાં સિવિલ કોવિડ હોસ્પિટલ વોર્ડમાં તબીબી સ્ટાફ દિવસ રાત કોરોના દર્દીઓની સારવારમાં લાગ્યો છે.
ખૂબજ ચેપી એવા કોરોના રોગની સારવાર કરતા તબીબી સ્ટાફને પણ ચેપ લાગવાની ઘણી શક્યતાઓ હોય છે તેમ છતાં પોતાની ફરજને અનુલક્ષીને પાછી પાની નહીં કરતાં તબીબી સ્ટાફ દર્દીઓ સારા સાજા થઈને ઘેર જાય તે માટે તમામ પ્રયાસ કરી રહ્યાં છે. અમદાવાદ સિવિલ કોવિડ19 હોસ્પિટલની દર્દીઓની સારવારમાં ખડેપગે દસ દિવસની ફરજ બાદ સ્ટાફ નર્સ ભારતીબહેન રાવલ ઘેર પરત ફર્યાં હતાં ત્યારે સોસાયટીના રહીશો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સીટીએમ સ્થિત તુલસી બંગ્લોઝમાં રહેતાં સિસ્ટર ભારતીબહેનને કોરોના વોરિયર તરીકે તેમણે આપેલી સેવાને બિરદાવતાં સોસાયટીના રહીશોએ થાળીઓ વગાડી ફૂલો વરસાવી તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. કોરોના જેવી મહામારીમાં કામ કરતાં તબીબી સ્ટાફને અમુકવાર કડવા અનુભવ થતાં હોય છે ત્યારે પરત ફરેલાં નર્સ ભારતીબહેનનું આવું સ્વાગત નોંધપાત્ર છે. ભારતીબહેને કોરોના દર્દીઓની સારવારનું કામ કર્યાં પછી પોતાના અનુભવ વિશે તેમણે ખાસ ETV Bharat સાથે પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો.