- આજે અક્ષય તૃતીયાને લાગ્યું કોરોનાનું ગ્રહણ
- લગ્ન સિઝન અને સોના-ચાંદીના ઘરેણાંની ખરીદી પર કોરોનાનું ગ્રહણ
- રાજ્યના ઘરેણાના વેપારીઓને 600 કરોડ રૂપિયાનો ફટકો પડશે
અમદાવાદઃ આજે શુક્રવારે અક્ષય તૃતીયાનો પાવન દિવસ છે. સામાન્ય પરિસ્થિતિમાં દર વર્ષે આ દિવસે મોટી સંખ્યામાં લગ્ન સમારોહ અને શુભ કાર્ય થતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે અક્ષય તૃતીયાનો દિવસ ફિક્કો લાગી રહ્યો છે. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આજે કરવામાં આવતા કોઈ પણ શુભકાર્ય માટે મુહૂર્ત જોવું પડતું નથી. કોઈ પણ શુભ કાર્યનો ક્ષય પણ આ દિવસે થતો નથી.
આ પણ વાંચોઃ આજે અક્ષય તૃતિયા- જાણો આ દિવસનું મહત્વ
ગયા વર્ષની જેમ આ વખતે પણ કોરોનાને કારણે લૉકડાઉન જેવી પરિસ્થિતિ
એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં કોરોના ભારત અને વિશ્વમાંથી જવાનું નામ લેતો નથી. વળી વધુ ઘાતક નવા મ્યુટન્ટ સાથે કોરોનાથી મૃત્યુદર આ વખતે વધુ ઉંચો છે. કોરોનાના કારણે ગયા વર્ષે દેશભરમાં લૉકડાઉન હતું. જ્યારે આ વર્ષે પણ લૉકડાઉન જેવી જ સ્થિતિ સર્જાઈ હોવાથી લોકો આ દિવસનો લાભ ઉઠાવી શક્યા નથી, પરિણામે અક્ષય તૃતીયાનો દિવસ ફિક્કો લાગે છે. સામાન્ય સંજોગોમાં આ દિવસે વણજોયું મુહૂર્ત હોવાથી લગ્નની સિઝન હોય છે. સાથે-સાથે લોકો ઘરેણાં અને વાહનોની ખરીદી જેવા અનેક શુભ કાર્ય કરતા હોય છે. આ દિવસે રાજ્યમાં 600 કરોડ રૂપિયાના સોના-ચાંદીના ઘરેણાંના બજાર પર ગ્રહણ લાગ્યું છે તો અમદાવાદમાં પણ જ્વેલર્સની દુકાન બંધ હોવાથી સોના-ચાંદીના 200 કરોડ રૂપિયાના વેપાર ઉપર માઠી અસર થઈ છે.
આ પણ વાંચોઃ અક્ષય તૃતીયા અને ભગવાન પરશુરામ જયંતિએ સર્જાશે ધન યોગ
હાલમાં સોનાનો ભાવ 49 હજાર રૂપિયાની આસપાસ
કેટલાક વેપારીઓ ઓનલાઈન પણ સોના-ચાંદીનું વેચાણ કરતા હોય છે. અત્યારે સોનાનો 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ ભાવ 49,000 રૂપિયાની આસપાસ છે. આ ઉપરાંત કોરોનાના કારણે માર્કેટ ડાઉન છે. જવેલર્સની દુકાનો બંધ છે તો લોકો પણ હવે આરોગ્ય સંબંધી સુવિધાઓમાં રોકાણ વધારી રહ્યા છે.