અમદાવાદઃ શહેરના શાહપુર વિસ્તારના સ્થાનિક પી આઇ આર.કે અમીન ફરી વિવાદમાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલા સફેદ પદાર્થની ગંધ પી.આઇ અમીનને ન હતી તેને લઈ ચર્ચામાં હતા, ત્યારે વધુ એક આક્ષેપ થતા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.
શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.કે.અમીને પિતા-પુત્ર ઉપર એટ્રોસીટીની ખોટી ફરિયાદ કરીને જેલમાં પૂરી દીધા હોવાના આક્ષેપ સાથે મહિલાએ ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મહિલાના દીકરાએ એક યુવાન પાસેથી પૈસા ઉછીના લીધા હતા, જેની ઉઘરાણી બાબતે બંને વચ્ચે લાંબા સમયથી ઝઘડા ચાલી રહ્યા હતા. જેમાં થોડા દિવસ પહેલા પણ મારા મારી થતા બંને પક્ષ દ્વારા સામ સામી ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં પોલીસે પાછળથી એટ્રોસીટીની કલમ ઉમેરી હોવાનો આક્ષેપ વર્ષાબહેન નામની મહિલા દ્વારા કરવામાં આવ્યો હતો.
જો.કે મહિલાનો આક્ષેપ છે કે શાહપુરના પીઆઈ આર.કે. અમીને તેમનો પુત્ર કૃણાલ વિરદ્ધ ખોટી એટ્રોસીટીની ફરિયાદ નોંધી તેમના પતિ દીપકને પણ ખોટી રીતી પોલીસ પકડી ગઈ છે. જેથી કંટાળીને વર્ષાબહેને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, ત્યારે હવે જોવું રહ્યું કે શાહપુર પી.આઈ આર.કે.અમીન વિરુદ્ધ તપાસના આદેશ અપાય છે કે નહીં અથવા પોલીસ પોલીસનું ભીનું સંકેલી રહી છે તે મહત્વનું ગણવામાં આવશે.