અમદાવાદઃ શહેરમાં ખાનગી હોસ્પિટલ કોરોનાની સારવાર માટે ખુલ્લી લૂંટ કરી રહી હોય તેવુ સામે આવ્યું છે. શહેરમાં એક હોસ્પિટલે કોરોના દર્દી પાસેથી 9 દિવસની કોરોના સારવારની 5 લાખ ફી વસુલી છે. ત્યારે ગુજરાતમાં ખાનગી હોસ્પિટલો દ્વારા ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે તેના કિસ્સાઓ અવાર નવાર સામે આવી રહ્યાં છે. તંત્ર દ્વારા હાઈકોર્ટના કહ્યા બાદ પણ કોઈ એક્શન કેમ નથી લેવાઈ રહ્યા તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.
શહેરમાં આનંદનગરની તપન હોસ્પિટલ દ્વારા કોરોનાના દર્દીના મોત બાદ અધધ બિલ આપ્યું છે. હોસ્પિટલે 9 દિવસની સારવાર બાદ 5 લાખનું બિલ પકડાવી દીધું. સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોની ફી નિયમન કરવામાં આવી તેમ છતાં ખાનગી હોસ્પિટલો દ્વારા મોં માંગી ફી વસુલાઈ રહી છે. જ્યારે એક દિવસના 21 હજારનો ખર્ચ થયો હોવા છતા 5 લાખનું બિલ કેવી રીતે આવ્યું, તેને લઇ પરિવાર પણ મુશ્કેલીમાં મૂકાયો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 42 ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર થઈ રહી છે ત્યારે અહિંયા સવાલ એ છે કે ખાનગી હોસ્પિટલો દ્વારા લેવાતી અધધ ફી પર ક્યારે લગામ લાગશે? કોરોનાના દર્દી પાસેથી કેમ બેફામ રૂપિયા વસૂલી રહી છે ખાનગી હોસ્પિટલો? જો એક દિવસના 21 હજારનો ખર્ચ થયો હોય તો 9 દિવસમાં 5 લાખનું બિલ ક્યાંથી આવ્યું? પરિવારના જણાવ્યા પ્રમાણે બે લાખ પણ તેઓએ માંડ ભેગા કર્યા છે ત્યારે પાંચ લાખ રૂપિયા ભેગા કરવાની તેમની સગવડ નથી.