અમદાવાદ: લોકડાઉન બાદ ગુનાખોરીમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમાં પણ મિલકત સબંધી ગુનાઓ સતત વધી રહ્યાં છે ત્યારે વધુ એક ફરિયાદ નોધાઇ છે. જેમાં ગાડીનો કાચ તોડીને ગઠિયાઓ કેમેરો લઈને ફરાર થઇ ગયા હતાં.
શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતા મિહિર પટેલે ફરિયાદ નોંધાવી છે કે તેમના વર્કશોપ પાસે તેમણે ઈકો કાર પાર્ક કરી હતી. અને ડ્રાઇવર સીટની બાજુમાં રૂપિયા 45 હજારની કિંમતનો કેમેરા મૂક્યો હતો. ત્યાં ફૂટપાથ પર રહેતાં ફૈઝુદ્દીનખાન પઠાણ આસપાસમાં રાખવામાં આવતી ગાડીઓની સલામતીની દ્રષ્ટિએ ધ્યાન રાખતાં હતાં. ત્યારે રવિવારે રાતના 2 વાગ્યાના અરસામાં ફેઝુદીનખાન પઠાણને ગઠિયાઓએ માર માર્યો હતો અને તે પછી ગાડીના કાચ પર પથ્થર મારીને કાચ તોડી નાંખ્યો હતો અને ગાડીમાં પડેલો કેમેરો લઇ લીધો હતો.
ફૈઝુદ્દીનખાન પઠાણે આ દરમિયાન બૂમાબૂમ પણ કરી હતી. પરંતુ રાત્રિનો સમય હોવાથી કોઈ તેમની મદદે આવ્યું ન હતું. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. હાલ ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ પણ પોલીસે કબજે કર્યા છે.