- સરખેજ સનાથલ પાસેથી દીપડાનો મૃતદેહ મળ્યો
- રોડ અકસ્માતમાં દીપડાનું મોત
- 15 દિવસ અગાઉ વસ્ત્રાલમાં દીપડો હોવાની વાત વહેતી થઈ હતી
અમદાવાદ: શહેરના સરખેજ પાસેના સનાથલ બ્રિજ પાસે ગત મોડી રાતે અકસ્માતમાં દીપડાનું મોત થયું છે. દીપડાનું મોત થતાં આસપાસના લોકો ભેગા થયા હતા અને ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. દીપડાના મોતનું કારણ જાણવા મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.
ગાડીની ટક્કર દીપડાને વાગતા દીપડાનું સ્થળ પર મોત
સરખેજ સનાથલ રોડ પાસે અમદાવાદ રાજકોટ હાઇવે આવેલો છે. જ્યાં લોકો સતત વધુ સ્પીડમાં જતાં હોય છે, ત્યારે કોઈ ગાડીની ટક્કર દીપડાને વાગી હતી. જેથી દીપડાનું સ્થળ પર મોત થયું હતું. દીપડાના મોત મામલે વન વિભાગે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. દીપડો અમદાવાદના શહેરી વિસ્તારમાં મળી આવતા અનેક સવાલ ઉભા થાય છે. 15 દિવસ અગાઉ જ વસ્ત્રાલમાં એક મંદિર પાસે દીપડો આવ્યા હોવાની વાત સામે આવી હતી. જે અંગે વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે દીપડાનો મૃતદેહ મળતા વસ્ત્રાલમાં દેખાયેલ દીપડો અને મૃતદેહ એક હોવાની આશંકા છે.