- ચકચારી હિટ એન્ડ રન કેસમાં નવો ખુલાસો સામે આવ્યો
- વેન્ટો કારમાં પીછો કરનાર હોમગાર્ડ હોવાનું સામે આવ્યું
- અકસ્માત બાદ તેણે પરત ગુરૂદ્વારા મુકી જવા દબાણ કર્યું
અમદાવાદ : હિટ એન્ડ રન કેસમાં આરોપી પર્વ શાહે વેન્ટો કારમાં પોલીસ પીછો કરતી હોવાથી સ્પીડમાં કાર ચલાવી હોવાની વાત પોલીસને જણાવી હતી. જેને લઇને એન. ડિવિઝન ટ્રાફિક પોલીસે વેન્ટો ગાડી અંગે તપાસ શરૂ કરી હતી. વેન્ટો કારચાલક ધીર પટેલની પૂછપરછ કરતાં ગુરૂદ્વારા પાસેથી હોમગાર્ડ જવાને કારમાં બેસી ગાડીનો પીછો કરવાનું કહ્યું હોવાનું જણાવ્યું હતું. જે મામલે આજે 2 જુલાઈએ એન. ડિવિઝન ટ્રાફિક પોલીસે હોમગાર્ડ જવાનની અટકાયત કરી છે.
અકસ્માત બાદ પરત મૂકી જવા દબાણ કર્યું
વેન્ટો કારમાં બેસીને ચાલકને પીછો કરવાનું કહેનાર હોમગાર્ડ જવાનનું નામ પરબત ઠાકોર હોવાનું બહાર આવ્યું છે. એસ.જી હાઈવે પર આવેલા ગુરૂદ્વારા પોઇન્ટ પર ફરજ બજાવતો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા હોમગાર્ડ જવાનનું નિવેદન લેવામાં આવી રહ્યું છે. પોલીસ મુજબ પર્વ શાહની i20 કારનો પીછો કરવાનું હોમગાર્ડ જવાને કહ્યું હતું. જોકે, i20 કારે અકસ્માત સર્જ્યો ત્યારબાદ તેને પરત ગુરૂદ્વારા મૂકી જવા માટે વેન્ટો કારના ચાલક ધીર પટેલને દબાણ કર્યું હતું. પોલીસ દ્વારા હોમગાર્ડ જવાનનું નિવેદન લીધા બાદ તેની સામે શું કાર્યવાહી થશે? તે જોવું રહ્યું.