અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે જ્યારે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ હતું ત્યારે અમદાવાદીઓએ એકજૂથ થઇને, ઘૈર્ય રાખી, સરકારી દિશાનિર્દેશોનું પાલન કરી કોરોનાને મહાત આપી છે. તેમ જ તેમની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થયો છે. હવે સમય આવ્યો છે અન્ય કોરોના સંક્રમિત દર્દીઓને પ્લાઝમાનું દાન કરીને તેઓના ઘરના દીપને હરહંમેશ માટે પ્રજવલ્લિત રાખવાનો. ત્યારે અમદાવાદ શહેરના ક્રિષ્નાનગર વિસ્તારમાં રહેતા ઉદ્યોગપતિ અનલભાઇ વાઘેલાએ બે વખત સિવિલ હોસ્પિટલ અને એક વખત રેડક્રોસમાં એમ કૂલ ત્રણ વખત પ્લાઝમાનું દાન કરીને દાનનો મહિમા સાચા અર્થમાં ઉજાગર કર્યો છે.
પ્લાઝમા ક્યાંથી પ્રાપ્ત થશે ? એ જાણવા જેટલા ફોન આવે છે એના કરતાં પ્લાઝમા કોણ, ક્યારે અને ક્યાં ડોનેટ કરી શકે ? એની જાણકારી મેળવવાના ખૂબ જ ઓછા ફોન આવે છે એટલે કે પ્લાઝમા ડોનેટ કરવા અંગે હજુ લોકોમાં કંઈક ભય છે અથવા તો તે અંગે જાગૃતિ આવી નથી તેમ લાગે છે.
કોરોના સંક્રમિત રોગી માટે પ્લાઝમા ક્યાંથી પ્રાપ્ત થશે એની જાણકારી મેળવી આપવામાં સહાયક બનવાની સાથે સાથે એક જવાબદાર અને જાગૃત નાગરિક તરીકે પ્લાઝમા ડોનેટ કરવા અંગે લોકોના ભયને દૂર કરીને જાગૃતિ ફેલાવાનું કામ પણ આપણાં સમાજ માટે એટલું જ જરૂરી અને મહત્વનું છે..અમદાવાદ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં તેમજ રેડક્રોસ સોસાયટી, પાલડીમાં સરળતાથી પ્લાઝમા ડોનેટ કરી શકાય છે અને પ્રાપ્ત કરી શકાય છે.