અમદાવાદઃ દેશમાં કોરોના મહામારીના કારણે જગન્નાથ પુરીમાં રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે શરતોને આધિન મંજૂરી આપી દીધી છે. પરંતુ અમદાવાદમાં રથયાત્રા પર રોક લગાવી દેવામાં આવતા ભક્તોમાં નારાજગી જોવા મળી છે. જો કે આ તમામની વચ્ચે ભક્તોને ભગવાનના દર્શનથી પણ ક્યાંક વંચિત રાખવામાં આવી રહ્યાં હોય તેવી ફરિયાદ ઉઠી છે.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદની રથયાત્રા પર રોક લગાવવામાં આવી છે, ત્યારે તેને લઈ જગન્નાથ ભગવાન સાથે જોડાયેલા ભક્તોમાં નારાજગી જોવા મળી છે. ભક્તોની માગ છે કે "અમે બધા ઘરમાં રહીશું, પરંતુ 142 વર્ષોથી નગરચર્યાએ નીકળતા ભગવાનને બહાર નીકળવા દો" તેમ છતાં આ તમામની વચ્ચે ભક્તોને હાલ પણ પોલીસ દ્વારા દર્શનથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે. પોલીસ ભક્તોને ભગવાન સુધી દર્શન કરવા પણ જવા દેતી નથી. તેને લઈ લોકોમાં નારાજગી અને પોલીસ સામે વિરોધ જોવા મળી રહ્યોં છે.
ભક્તોને દર્શન કરવા દેવા જોઈએ તેમાં કોઈ બાધકતા ન આવવી જોઈએ જેને લઈ મંદિરના દિલીપદાસજી મહંત અને DCP વચ્ચે બોલચાલી પણ થઈ હતી. ત્યારે મહંતે ભક્તોને દર્શન કરવામાં કોઈ રોકટોક ન આવે તે અંગે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને ફોન કરી ચર્ચા કરવાની પણ વાત કરી હતી, પરંતુ અન્ય સિનિયર અધિકારીઓએ વચ્ચે પડીને મામલાને થાળે પાડ્યો હતો.