અમદાવાદઃ મણિનગરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સંપ્રદાયની પરંપરા અનુસાર વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગારથી સજાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં ભગવાનની આરતી કરવામાં આવી હતી. લોકડાઉનના કારણે સત્સંગીઓને દર્શન માટે મનાઈ હતી. જેથી સ્વામિનારાયણ મંદિરના દર્શન ભક્તોને સોશિયલ મીડિયાના માધ્યમથી કરાવવામાં આવ્યા હતા.
26 એપ્રિલના રોજ અખાત્રીજ હોવાથી ચંદનના વાઘા સ્વામિનારાયણ ભગવાનને ધરાવવામાં આવ્યાં હતા. આ અંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાનને અખાત્રીજના દિવસે પાંચ કિલો ચંદનમાંથી બનાવેલ વાઘા ધરાવવામાં આવ્યા હતા. આ વાઘા ધરાવવાથી ભગવાનને ઠંડક પાપ્ત થાય છે અને વાઘા ધરાવ્યા બાદ આ ચંદનનો સર્વ શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં આવે છે તથા ભગવાનનો સ્પર્શ થયેલ ચંદન દરેકને પ્રાપ્ત થાય એટલા માટે આ ચંદનના વાઘામાંથી ચંદનની ગોટીઓ બનાવવામાં આવે છે અને તે ભકતોને આપવામાં આવે છે. ગોટીમાંથી ભકતો નિત્ય ચંદનથી તિલક કરે છે.
વધુમાં તેમણે જણાવ્યું કે ચંદનના વાઘા જે ભગવાનને ધરાવામાં આવે છે તેનો નિત્ય સદઉપયોગ કરવામાં આવે છે. સ્વામિનારાયણ ભગવાને પોતે સ્વયં વચનામૃત ગ્રંથના છેલ્લા પ્રકરણના 23માં વચનામૃતમાં કહયું છે કે ઋતુ અનુસાર ભગવાનની સેવા ચાકરી કરવી જોઈએ. તેથી ઉનાળો આવે ત્યારે ભગવાનને ગરમીમાંથી રાહત મળે અને ઠંડક પ્રાપ્ત થાય તે માટે ભગવાનને ઝીણા વસ્ત્રો ધરાવવા જોઈએ. જ્યારે વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય માટે ભગવાનને ચંદનના વાઘાથી શણગારવામાં આવે છે.