અમદાવાદઃ રાજ્યમાં દિવસે ને દિવસે સાયબર ક્રાઇમ કરતા ગઠીયાઓનો આતંક વધી રહ્યો છે. અવનવી મોડેસ ઓપરેન્ડીથી આ ગઠીયાઓ લોકો પાસે પૈસા પડાવી રહ્યા છે. ત્યારે ક્રેડિટ કાર્ડ અપડેટ કરી લિમિટ વધારી આપવાની લાલચ આપીને ઠગાઈનો બીજો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબ ભોગ બન્યા છે.
સિવિલ હોસ્પિટલમાં જનરલ સર્જરી વિભાગમાં છેલ્લા ત્રણ વર્ષથી તબીબ તરીકે કામ કરતા નિસર્ગ શાહ 11મી જુલાઇના દિવસે લાયબ્રેરીમાં વાંચન કરી રહ્યા હતા, તે દરમિયાન તેમને પૂજા શર્મા નામની એક યુવતીનો ફોન આવ્યો હતો. જેને એક્સિસ બેંકમાંથી બોલતી હોવાની ઓળખ આપીને ફરિયાદીનું ક્રેડિટ કાર્ડ અપડેટ કરાવવાનું હોવાનુ કહીને ફરિયાદીને તેમના ક્રેડિટ કાર્ડની તમામ હકીકત જણાવી હતી.
યુવતીએ કાર્ડની તમામ હકીકત જણાવતા ફરિયાદીને વિશ્વાસ આવ્યો હતો કે તેઓ આ એક્સિસ બેંકમાંથી જ બોલી રહ્યા છે. આરોપી યુવતીએ ફરિયાદીને તેમના ક્રેડિટ કાર્ડની લિમિટ 2.5 લાખથી વધારીને 3.5 લાખ કરવાની લાલચ આપીને ફરિયાદીના મોબાઈલમાં આવેલો પિન નંબર માંગ્યો હતો. જે ફરિયાદીએ આપતા જ તેના ખાતામાંથી રૂપિયા 35,350 ઉપડી ગયા હતા. જ્યારે આરોપીએ બીજા કાર્ડની વિગતો માંગતા ફરિયાદી એ તે વિગતો આપી હતી. ત્યારબાદ તેમના ખાતામાંથી બીજા 40,400 ઉપડી ગયા હતા. જેની જાણ પોલીસને કરતા હાલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.