- આંતરિક વિખવાદના ડરથી અંતિમ સમયે જાહેર કરાયું લિસ્ટ
- અમદાવાદ મનપા માટે ફોન પર મેન્ડેટ આપવાનું કરાયું શરૂ
- 40થી વધુ ઉમેદવારોને ફોન કરી ફોર્મ ભરવા આપી સૂચના
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી છે. ત્યારે તમામ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારોને મેન્ડેટ આપવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. પરંતુ કોંગ્રેસ અંતિમ સમય સુધી અસમંજસમાં હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ દ્વારા તમામ 6 મનપાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, તો કોંગ્રેસ દ્વારા મેન્ડેટ અને યાદી જાહેરાતની કામગીરી ફોન પર જ પૂરી થઈ જતી હોય તેવું લાગી રહ્યું છે.
આંતરિક વિવાદના કારણે નામો ન થયા જાહેર
ભાજપ દ્વારા પણ યાદી જાહેર થયા પછી નારાજ કાર્યકરો દ્વારા હોબાળો થઈ રહ્યો છે. તો કોંગ્રેસ પણ આંતરિક વિખવાદના ડરથી કેટલાક ઉમેદવારોને ફોન પર જ મેન્ડેટ આપી રહી છે. કોંગ્રેસના સિનિયર નેતાઓ સીધા જ ઉમેદવારને ફોન કરીને ફોર્મ ભરવા માટેનું મેન્ડેટ આપી રહ્યા છે. કોંગ્રેસે પોતાની પહેલી યાદી જાહેર કર્યા બાદ બીજી યાદીની રાહ કાર્યકરો જોઈ રહ્યા છે અને તેની પહેલા કોંગ્રેસે 40થી વધુ ઉમેદવારોને ફોન પર જ ફોર્મ ભરવાની સૂચના આપી દીધી છે.