- જાહેરનામાનો ભંગ કરવા બદલ 200થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ
- પોલીસ દ્વારા કુલ 243 લોકોની ધરપકડ કરવામાં આવી
- હજૂ 1 દિવસ રહેશે કરફ્યૂ
અમદાવાદ : શહેરમાં કોરોનાના કેસ વધતા 60 કલાકનું કડક કરફયૂ લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં કરફ્યૂનો કડકપણે અમલ થઈ રહ્યો છે અને તેના માટે પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે જાહેરનામાનો ભંગ કરનારા 200થી વધારે લોકોની ધરપકડ કરી છે અને તમામ સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
શા માટે પોલીસે કરી રસ્તે જતા લોકોની ધરપકડ??
અમદાવાદ શહેરમાં 2 દિવસ માટે કરફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે અને તેનો ચુસ્તપણે પાલન કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામાનો ભંગ કરનારા સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે યોગ્ય કારણ સિવાય રસ્તાઓ પર લટાર મારતા 243 લોકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ અને કડક બંદોબસ્ત
કરફ્યૂનું પાલન કરાવવા માટે અમદાવાદમાં પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને દરેક 4 રસ્તા પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રસ્તે જતાં તમામ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. પોલીસ પણ 2 સિફ્ટમાં કામ કરીને પોતાની ફરજ નિભાવી રહી છે.
ETV BHARATની લોકોને અપીલ
2 દિવસના કરફ્યુનું યોગ્ય રીતે પાલન થાય તો કેસ વધતા અટકાવી શકાય અને સંક્રમણ પણ ઘટી શકે છે, તેથી લોકોને પણ કરફ્યુનું પાલન કરવા ETV BHARAT પણ અપીલ કરે છે.
અમદાવાદમાં 60 કલાકનો કડકપણે કરફ્યૂનો અમલ શરુ
અમદાવાદ શહેરમાં શુક્રવાર રાત્રે 9 કલાકથી કરફ્યૂનો અમલ શરૂ થઈ ગયો છે. તમામ નોકરી ધંધાવાળા લોકોએ 8 કલાકથી જ પોતાના ઘરે પહોંચવાની શરૂઆત કરી દીધી હતી. શહેરના તમામ રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. આ સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કરફ્યૂની જાહેરાત કરી છે.
અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કરફ્યૂની જાહેરાત
અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને લઈ શુક્રવારથી સોમવાર સવાર સુધી કરફ્યૂનો અમલ શરૂ થઈ ગયો છે. પોલીસ લોકોને પોત પોતાના ઘરે જવા માટે અપીલ કરી રહી છે, ત્યારે શહેરના તમામ રસ્તાઓ શુક્રવારથી બે દિવસ સુધી સુમસામ જોવા મળી રહ્યા છે. જોકે, આ અંગે નાયાબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં નીતિન પટેલે અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કરફ્યૂની જાહેરાત કરી હતી. આમ શનિવારથી વડોદરા, સુરત અને રાજકોટમાં રાતના 9થી સવારના 6 કલાક સુધી રાત્રિ કરફ્યૂ આગળ સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી લાગુ રહેશે. શુક્રવારે સાંજે 5 કલાકે મુખ્યપ્રધાન નિવાસ્થાને મળેલી હાઇપાવર્ડ કમિટીની બેઠકમાં કોરોના અંગેની સ્થિતિના સમીક્ષા અંતર્ગત વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ અંકુશમાં હોવાનો નીતિન પટેલનો દાવો
અમદાવાદમાં કોરોનાનો આંકડો 305 સાથે ઊંચા સ્તરે પહોંચ્યો છે અને રાજ્યમાં કોરોનાનો આંકડો 1,420 પર પહોંચ્યો છે. તેમ છતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે દાવો કર્યો છે કે, સરકાર કોરોના પર મહદ અંશે કાબૂ કરવામાં સફળ થઈ છે. સોશિયલ મીડિયા પર હોસ્પિટલમાં બેડની સંખ્યા ખૂટી હોવાની વાત ખોટી છે, લોકોને ડરાવવા માટે આવી અફવાઓ ફેલાવાઈ રહી છે. તેમને આરોગ્યની તમામ સેવાઓ કાર્યક્ષમતાપૂર્વક ચાલી રહી હોવાનો દાવો કર્યો હતો. આ સાથે નાગરિકોએ ડરવાની કે ભયભીંત થવાની જરૂર નથી, પણ સાવચેત રહેવાની જરૂર છે. આ ઉપરાંત 200 સભ્યોને લગ્ન સમારંભમાં છૂટ મળી છે, તો દિવસના સમયમાં તેટલા સભ્યો સાથે લગ્ન સમારંભ થઈ શકશે. તેમ નીતિન પટેલે જણાવ્યું હતું.
કરફ્યૂ માટે પોલીસનું જાહેરનામું
શુ છે અમદાવાદ પોલીસનું જાહેરનામું?
- શુક્રવાર રાતના 9 કલાકથી સોમવાર સવારે 6 કલાક સુધી સમગ્ર શહેરમાં કરફ્યૂ
- કોઈપણ નાગરિક ઘરની બહાર કે જાહેર જગ્યા પર ફરી શકશે નહીં
- વાહનોની અવરજવર પર પ્રતિબંધ
- લગ્ન બાબતે સ્થાનિક પોલીસ આપશે મંજૂરી
- અંતિમ સંસ્કારમાં માત્ર 20 વ્યક્તિઓને જવાની મંજૂરી
- દુધ અને દવાનું વિતરણ ચાલુ રહેશે
- રેલવે અને એરપોર્ટ પર ટેક્સી સેવાને મંજૂરી, પરંતુ ટિકિટ ફરજિયાત સાથે રાખવી પડશે
- ATM અને રોકડ વ્યવસાયન એજન્સી ચાલુ રહેશે
- બે દિવસમાં યોજાવવાની પરીક્ષાના વિદ્યાર્થીઓ ID કાર્ડ સાથે ફરજિયાત રાખવું પડશે
- ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાને પણ અવરજવર
- પોલીસ કમિશનર તરફથી અનિવાર્ય સંજોગોમાં ખાસ પરવાનગી આપનારા વ્યક્તિ અવરજવર કરી શકશે
- તમામ પ્રકારના માલસામાનના પરિવહનની મંજૂરી
- તમામ છૂટછાટમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પાલન કરવાનું રહેશે
- પેટ્રોલ પંપ અને તેને લગતી સેવાઓ ચાલુ રહેશે
- પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનારા સામે એપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધાશે
લગ્નને લઈને કેવી રીતે મળશે મંજરી?
2 દિવસનું કરફ્યૂ જાહેર થતા 2 દિવસમાં યોજવનારા લગ્નને બાબતે ચિંતા હતી. ત્યારે તેને લઈને પણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સ્થાનિક પોલીસની મંજૂરી મેળવીને લગ્ન પ્રસંગ થઈ શકશે. સ્થાનિક પોલીસ જગ્યાના આધારે કેટલા લોકો રાખવા તે નક્કી કરશે.
કેટલી પોલીસ રહેશે બંદોબસ્તમાં?
- DCP - 11
- ACP - 32
- PI - 57
- PSI - 215
- પોલીસકર્મીઓ - 7000
- હોમગાર્ડ - 2635
તમામ પોલીસકર્મીઓ 2 સિફ્ટમાં કામ કરશે અને સેકટર-1 JCP રાજેન્દ્ર અસારી દ્વારા તમામનું સુપરવિઝન કરવામાં આવશે. 2 દિવસના કરફ્યૂ દરમિયાન પોલીસે પણ લોકોને ઘરમાં રહેવા અપીલ કરી છે અને પોલીસને સાથ સહકાર આપવા વિનંતી કરી છે.પોલીસ તરફથી પણ જરૂરી કારણોમાં લોકોને સહયોગ મળશે, તેવી બાંહેધરી આપવામાં આવી છે.