- અમદાવાદમાં અંગદાનનું વધી રહેલું પ્રમાણ
- નવ મહિનામાં 44 લોકોનો જીવ બચાવાયો
- અંગદાનથી 3 લોકોને નવજીવન મળ્યું
અમદાવાદ: અંગદાન (organ donation) ની કડીમાં તાજેતરનો બનાવ ગાંધીનગરનો નોંધાયો છે. આ બનાવમાં જંગલસિંહ પારધી નામની યુવાન વ્યક્તિ માર્ગ અકસ્માતના કારણે ઇજાગ્રસ્ત થયા હતા અને 21 ઓક્ટોબરે તેમને બ્રેઇન ડેડ (Brain Dead) જાહેર કરાયા હતાં. અંગદાન માટે તેમના પરિવારે સંમતિ આપતા કિડની અને લિવરનું દાન મેળવવામાં આવ્યું હતું, જેનાથી જુદા જુદા 3 લોકોને નવજીવન પ્રાપ્ત થયું હતું.
આ પણ વાંચો: અંગદાન ક્ષેત્રમાં સુરતનું મહત્વનું સ્થાન, અત્યાર સુધીમાં 10 ઘટના બની
અંગદાન પ્રત્યે લોકોની જાગૃતિ વધી રહી છે
સિવિલ સુપ્રિટેન્ડેન્ટ (Civil Superintendent) ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, અંગદાનનું પ્રમાણ વધ્યું છે તેનો શ્રેય લોકોમાં અંગદાન (organ donation) ના મહિમા પ્રત્યે પ્રસરી રહેલી જાગૃતિને આપી શકાય. અંગદાનથી માત્ર એક દર્દીને નવજીવન જ મળતું નથી પણ એ દર્દીના પરિવારને પણ જાણે નવું જીવન મળે છે. એ હકીકત પ્રત્યેની સમજણ હવે લોકો વધુને વધુ ફેલાઇ રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ગ્રીન કોરિડોર મારફતે હૃદયને 12 કિ.મી.નું અંતર 11 મીનિટમાં કાપી પ્રત્યારોપણ માટે પહોચાડ્યું
બ્રેઇન ડેડ એટલે શું ?
આ અંગે SOTTO ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદી જણાવે છે કે, મનુષ્યનું મગજ શરીરનું સર્વોચ્ચ છે. જે શરીરની તમામ પ્રક્રિયાઓનું સંચાલન કરે છે. મગજના કારણે જ વ્યક્તિની ઓળખ છે. તે શ્વાસની પ્રક્રિયા તથા હૃદયના ધબકારાનું નિયમન પણ કરે છે, જ્યારે મગજને ગંભીર ઈજા પહોંચે ત્યારે તે ફુલવા લાગે છે અને તેમાં રક્તનું પરિભ્રમણ અટકી જાય છે. મગજમાં રક્તનું પરિભ્રમણ અટકી જવાથી તેના તમામ કાર્યો બંધ પડી જાય છે. આ સમયે દર્દીના શ્વાસની પ્રક્રિયા તથા હૃદયના ધબકારા પણ એકદમ ઓછા થઈ જાય છે. આવા દર્દીને કુત્રિમ રીતે શ્વાસ આપવા માટે વેન્ટિલેટર પર મૂકવામાં આવે છે. વેન્ટિલેટરની મદદથી શ્વાસ ચાલે ત્યારે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે અને હૃદય પણ કાર્ય કરે છે. આ પરિસ્થિતિ ફક્ત થોડા કલાક કે એક બે દિવસ સુધી દર્દીને બચાવવાના ડોક્ટરો દ્વારા કરવામાં આવતા પ્રયત્નો છે. સમયાંતરે દર્દીના મગજની કાર્યોની ચકાસણી કરવામાં આવે છે. જો મગજ જરા પણ કાર્યરત ન થાય તો તેવા દર્દીને બ્રેઈન ડેડ (Brain Dead) જાહેર કરવામાં આવે છે. કુત્રિમ રીતે વેન્ટિલેટર શ્વાસ અપાતો હોવાથી બેઇન ડેડ વ્યક્તિ શ્વાસ લેતા સુઈ ગયો હોય તેવો ભાસ થાય છે અને મોનીટર પર હૃદયના ધબકારાની પણ નોંધ લેવાય છે. દર્દીના સગાને એમ જ લાગે છે કે દર્દી હજુ જીવે છે પરંતુ આ એક કૃત્રિમ રીતે ફેફ્સાં અને હૃદય ટકાવી રાખવા માટેની થોડા સમયની વ્યવસ્થા છે. થોડા કલાકોમા એક બે દિવસમાં દર્દીનું હ્યદય બંધ પડી જાય છે.