- કુલ 1725 યોદ્ધાઓ 24x7 ખડેપગે અને અવિરત સેવા આપે છે
- 80 મિલિગ્રામના 8.5 લાખના ખર્ચે 100 ઇન્જેક્શન તૈયાર કરાયા
- સેવા સુશ્રુષા કરતા 517 મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ કોરોના સંક્રમિત થયો
અમદાવાદ: રાજ્યમાં ફરી એક વખત કોરોનાનો કહેર વધી રહ્યો છે, જેને લઇ રાજ્ય સરકાર સતર્ક જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સરકારી અધિકારીઓ અને નિષ્ણાત ડોક્ટરોની ટીમ તૈયાર થઈ રહી છે. કોરોનાના કેસ 1500ને પાર જતાં સમગ્ર તંત્ર એલર્ટ થઇ ગયું છે. ત્યારે અમદાવાદના કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતાં સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલી 1200 બેડની હોસ્પિટલને ફરી કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. ક્રમશઃ કોરોનાના કેસમાં ઘટાડો થતાં હોસ્પિટલના 700 બેડને મહિલાઓ અને બાળકોની સારવાર અર્થે જ તૈયાર કરવામાં આવ્યા હતા. હાલ કોરોના ગ્રસ્ત દર્દીઓના સારવાર માટે 500 બેડ કાર્યરત છે.
દર્દીઓની સેવામાં ત્રણ પાળીમાં અંદાજે 350થી વધુ ડોક્ટર્સ આપે છે સેવા
રાજ્યમાં સતત વધતા જતા કોરોનાના કેસને લઈને આખા રાજ્યમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય બહારથી પણ દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. આ દર્દીઓની સેવામાં ત્રણ પાળીમાં અંદાજે 350થી વધુ ડોક્ટર્સ, 550 જેટલો નર્સિંગ સ્ટાફ તથા 600થી વધારે જેટલા સફાઈ કર્મીઓ મળી કુલ 1500થી 1700 જેટલા કર્મીઓ ચોવીસ કલાક ફરજ બજાવી રહ્યા છે. જો કે, આ ઉપરાંત 130 પેશન્ટ એટેન્ડન્ટ, 60 નર્સિંગ સ્ટુડન્ટસ, 120 સિક્યોરિટી સ્ટાફ, 18 બાયો મેડિકલ એન્જીનીયર્સ, 20 PRO, 15 કાઉન્સિલર્સ, 46 એક્સ-રે એને લેબ ટેક્નિશિયન્સ અને 15 ડ્રાઇવર મળી કુલ 1725 યોદ્ધાઓ 24x7 ખડેપગે અને અવિરત સેવા બજાવે છે.
આ પણ વાંચો:આજના દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો પ્રથમ કેસ આવ્યો અને શરૂ થયો કોરોનાકાળનો કપરો સમય
આ ડોક્ટર્સ આવ્યા હતાં પોઝિટીવ
સિવિલ હોસ્પિટલમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવા સુશ્રુષા કરતા 517 મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ કોરોના સંક્રમિત થયો હતો. જેમાં 17 સિનિયર તબીબો, 202 રેસિડન્ટ તબીબો, 56 ઇન્ટર્ન તબીબો અને 189 નર્સિંગ સ્ટાફનો સમાવેશ થાય છે.
દર્દીઓના પરિવારજનો માટે આ સેવાઓ છે ઉપલબ્ધ
અહીં ખાસ ક્લીન રૂમ કાર્યનિવત કરાયો છે. જે પરિવારમાં માતા-પિતા બંને કોરોના પોઝિટિવ હોય અને તેમના નાના બાળકો હોય અને સંભાળ લેનારા ન હોય તો તેવા બાળકોને અહીંનો નર્સિંગ સ્ટાફ માતા બનીને સાચવે છે. આ બાળકોને સેરેલેક પાવડરથી માંડીને જે કંઈ જરૂરી હોય તે તમામ વસ્તુઓ આપવામાં આવી રહી છે. આ બાળકો માટે ખાસ એટેન્ડન્ટ પણ રખાયા છે. જે દર્દીઓ હાલ દાખલ થયા હોય ત્યાં દર્દીના કોઈપણ સગાને ચેપ ન લાગે એટલે તેમની સલામતી માટે વોર્ડમાં પ્રવેશ આપવામાં આવતો નથી. કોઈ ખાસ કિસ્સામાં અથવા દર્દી વેન્ટીલેટર પર હોય કે પ્રોસીઝર જરૂરી હોય તેવા કિસ્સામાં એક સગાને રક્ષાત્મક સાધનો સાથે જવાની મંજૂરી આપવામાં આવી રહી છે અને અન્ય કિસ્સાઓમાં નજીક એક વિશાળ ડોમ બનાવાયું છે, જ્યાં તમામ સગાઓને બેસવા ઊઠવા અને જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.
દર્દીઓને આપવામાં આવે છે આ તમામ સેવાઓ
અમદાવાદની સિવિલ હોસ્પિટલના સ્ટાફને હોસ્પિટલ તરફથી મોબાઈલ આપવામાં આવ્યા છે. જેના દ્વારા દર્દી તેમના સગા સાથે વીડિયો કોલિંગથી વાત કરી શકે છે. આ માટે 50 જેટલા મોબાઇલની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્દીઓની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી તંત્ર હજુ પણ વધુ સતર્ક અને જરૂરી પગલાં હાથ ધરી રહી છે. કોરોના ગ્રસ્ત દર્દીઓને ડાયાલિસીસ અર્થે બહાર ન જવું પડે તે માટે ઇન હાઉસડાયાલીસીસ સેન્ટર, ઇન હાઉસ સ્લેબ, સમગ્ર ભારતભરમાં શરૂ કરેલી પ્રથમ પ્લાઝમા બેંક, વયસ્ક દર્દીઓ માટે જીરિયાટ્રીક વોર્ડ બોર રૂમની જેમ 24 કલાક કાર્યરત કંટ્રોલરૂમ અને હેલ્પ ડેસ્ક જેવી અનેક સ્વાસ્થ્ય સુવિધાઓ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. આ રોગનું સંક્રમણ ન વધે તે માટે પ્રશાસન સતત કાર્યરત છે.
વેન્ટિલેટર અને ઓક્સિજનની આ પ્રકારની વ્યવસ્થા રહેલી છે
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉક્ટર જે. વી. મોદી સાથે ઇટીવી ભારતના સંવાદદાતાએ જ્યારે ઔપચારિક વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીના 12 માસના સમયગાળામાં કોરોનાની OPDમાં 55,159 અને IPDમાં 21,033 દર્દીઓને તપાસવામાં આવ્યા છે. 1200 બેડની હોસ્પિટલમાં અદ્યતન સારવારની સાથે અને અન્ય સેવાઓ પણ દર્દીઓને અપાઈ રહી છે. જે દર્દીઓ ગંભીર પરિસ્થિતિમાં અહીં આવ્યા છે અને જેમને ઓક્સિજનની જરૂર પડી છે તેવા દર્દીઓ માટે 350થી વધુ જેટલા વેન્ટિલેટર સહિત બેડ અનામત રખાયા છે. જ્યારે કોરોનાની પરિસ્થિતીને જોતા 600 વેન્ટિલેટર તૈયાર છે. આવા બેડ પર દાખલ થયેલા દર્દીઓ માટે અત્યાર સુધીમાં 26,34,366 ક્યુબીક મી.મી ઓક્સિજનનો વપરાશ થયો છે. જેની અંદાજિત રકમ 11 કરોડ રૂપિયા થવા જઈ રહી છે, જેની સરકારે ચુકવણી પણ કરી દીધી છે. ખાસ ઓક્સિજનની અને વેન્ટિલેટરની વાત કરીએ તો, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1500થી વધુ દર્દીઓ સારવાર દરમિયાન હતા ત્યારે કોઈ પ્રકારની વેન્ટિલેટર અથવા ઓક્સિજનની ખોટ વર્તાઈ નથી. આજે પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ કોરોનાના કેસમાં વધારો જોતાં સતર્ક અને સજ્જ જોવા મળી રહી છે. 20 ટન જેટલો ઓક્સીજન સપ્લાયર મુકવામાં આવ્યો છે. જેમાં 4 ટન થતા જ કંપનીને મેસેજ પહોંચી જાય અને તુરંત તેમાં ઓક્સિજન રિફીલિંગ કરી દેવામાં આવે છે.
આ પ્રકારના ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવ્યો
અહીં દર્દીઓની સારવાર ઉપરાંત કોરોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. 1200 બેડની હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 1,83,378 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 18,701 લોકો પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર અર્થે અતિ ઉપયોગી એવા ટોસીલીઝુમેબ ઇન્જેક્શનના વપરાશની વિગત જોઈએ તો 80 મિલિગ્રામના 8.5 લાખના ખર્ચે 100 ઇન્જેક્શન, 200 મિલિગ્રામના 6 લાખના ખર્ચે 30 ઇન્જેક્શન, 400 મિલિગ્રામના 1.67 કરોડના ખચે 16,328 રેમડેસીવીર ઇન્જેક્શન કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર અર્થે ઉપયોગમાં લેવામાં આવ્યા છે.
નાગરિકોને અપીલ...
રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, જેને લઇને સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. રાજ્યના નાગરિકોને એક જ અપીલ કરવામાં આવી રહી છે કે, ઘરે રહો-સુરક્ષિત રહો સાથે જ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા રહો. બહારથી ઘરે આવ્યા બાદ તુરંત જ હાથ સેનીટાઇઝ કરવા કે સાબુથી ધોવા ખૂબ જરૂરી છે. કોરોનાના વધતા કેસને લઈને સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. ત્યારે ઇટીવી ભારત પણ દેશના નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી રહ્યું છે.
આ પણ વાંચો:કોવિડ ડેઝીગ્નેટેડ 1200 બેડની હોસ્પિટલમાં ‘નેગેટિવ એર પ્રેસર’ સિસ્ટમ કાર્યરત