અમદાવાદઃ શહેરમાં એક સેવાભાવી દિવ્યાંગ રહે છે. જેમનું નામ ધરમશીભાઈ રબારી તેઓ પોતે 62 વર્ષના છે, તે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહે છે. 2003માં તેમણે એક અકસ્માતમાં પોતાના બંને પગ ગુમાવ્યા હતા. ત્યારબાદ ઓપરેશન અને મિકેનિકલ પગથી તેમણે જિંદગીની નવી શરૂઆત કરી હતી. બે મહિનામાં તેમણે નિશ્ચય કર્યો કે, પોતે પણ દિવ્યાંગોની અને જીંદગીથી હારી ગયેલા લોકોની સેવા અને મદદ કરશે. તેઓ અમદાવાદમાં આવેલા અંધજન મંડળ સંસ્થા સાથે જોડાયા છે.
ધરમશીભાઈ પહેલા ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હતા. પરંતુ હાલ તેઓ રિક્ષા ચલાવે છે. તેઓ જરૂરિયાત મંદ અને જેમને મદદની જરૂર હોય તેવા લોકોને પોતાની રિક્ષામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વિનામૂલ્યે લઈ જાય છે અને સાથે સાથે તેની સારવાર પણ સંસ્થાઓના માધ્યમથી વિનામુલ્યે કરાવી આપે છે.