- દિવાળીને લઈને 108એ બનાવ્યો એક્શન પ્લાન
- 3500 કર્મચારીઓ રહેશે ખડેપગે
- અનેક કેસોમાં થાય છે વધારો
અમદાવાદ : દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દિવાળીના પર્વમાં ઘણી બધી આકસ્મિક ઘટના બને છે જેમ કે આગ લાગવી, દાઝવું, રોડ અકસ્માત. ત્યારે સામાન્ય દિવસો કરતા દિવાળીમાં આ પ્રકારની ઘટના વધુ બનતા 108 ઇમરજન્સી સર્વિસ પણ પોતાના એક્શન પ્લાન સાથે તૈયાર છે.
સામાન્ય દિવસ કરતા દિવાળીમાં ઇમરજન્સી કોલમાં વધારો
દર વર્ષે લોકો ફટાકડા ફોડીને લોકો દિવાળીની ઉજવણી કરતા હોય છે, પરંતુ કેટલીક વખત આ ઉજવણી લોકોને ભારે પડી શકે છે. જેના કારણે દાઝી જવાના તથા અકસ્માતોના કેસોની સંખ્યા વધે છે. સામાન્ય દિવસોમાં 108 હેલ્પલાઈનમાં 2800 કોલ આવે છે. તેની સામે દિવાળી અને બેસતા વર્ષના દિવસમાં કોલમાં 5થી 10 ટકાનો વધારો થાય છે.
3500 કર્મચારીઓ દિવાળીમાં ફરજ પર હાજર રહેશે
દિવાળીમાં વધતાં જતા અકસ્માતોને કારણે 108 દ્વારા પર પૂર્વ તૈયારી કરવામાં આવી છે. જેને લઇને તમામ કર્મચારીઓની દિવાળીમાં રજા રદ્દ કરવામાં આવી છે. 108 ઇમરજન્સી હેલ્પલાઇનમાં કામ કરતા કર્મચારીઓ, ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ અને પાયલોટ સહિત કુલ 3500 કર્મચારીઓ ખડે પગે લોકોની સેવા માટે ફરજ બજાવશે.
કેવી રીતે 108ની ઇમરજન્સી સેવા કામ કરશે?
108 ઇમરજન્સી હેલ્પલાઇન પર કોઈપણ કોલ આવે, તો તરત જ ક્વિક રિસ્પોન્સ ટીમ સ્થળ પર જઇને સામાન્ય ઈજાઓ હોય તો સારવાર કરી હોસ્પિટલ પહોંચાડવાનુ કામ કરે છે. અત્યાર સુધીમાં હજારો લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. તહેવારોના સમયગાળામાં નાના મોટા દવાખાના પણ બંધ હોય છે, ત્યારે રોડ અકસ્માતના કિસ્સામાં પણ દર્દીને જો હોસ્પિટલમાં લઇ જવાના હોય તો હોસ્પિટલ સાથે સંકલન કરીને 108ની એમ્બ્યુલન્સ તાત્કાલિક એક દર્દીને હોસ્પિટલ પહોંચાડી અન્ય દર્દી માટે જઇ શકે તે માટેનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
108 ઇમરજન્સીના કર્મચારીઓ લોકોની સેવા કરીને પર્વની ઉજવણી કરશે
દિવાળીના સમયમાં કેસની સંખ્યા વધતી હોય છે, ત્યારે 108 દ્વારા એમ્બ્યુલન્સની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. કુલ 631 એમ્બ્યુલન્સ તાત્કાલિક આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે ખડેપગે રહીને કામ કરશે. તહેવારના દિવસોમાં જ્યાં લોકો એક તરફ પોતાના પરિવાર સાથે સમય વિતાવશે, ત્યારે 108 ઇમરજન્સીના કર્મચારીઓ લોકોની સેવા કરીને પર્વની ઉજવણી કરશે.