અમદાવાદ:કોરોના વાઈરસનો કહેર સમગ્ર વિશ્વભરમાં છે. જ્યારે ભારતમાં પણ હવે કેસો મોટી સંખ્યામાં વધી રહ્યા છે. શહેર પોલીસ દ્વારા લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન અફવાઓનું બજાર પણ ગરમ છે. લોકડાઉન અને કોરોના વાઈરસની ગંભીર બીમારીમાં કેટલાક ખોટા મેસેજો, ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટ દ્વારા આ પ્રકારે અફવા ફેલાવનારા, ખોટી પોસ્ટ કરનારા, ખોટી ટીકા-ટીપ્પણી કરનારા લોકો સામે ગુના નોંધવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત 16 ગુના નોંધાયા છે. જેમાં 24 આરોપીની અટકાયત કરવામાં આવી છે.
હાલની પરિસ્થિતિમાં નાના મેસેજની બહુ મોટી અસર થઈ શકે છે. જેથી સાયબર ક્રાઈમ દ્વારા સતત સોશિયલ મીડિયા પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ખોટી પોસ્ટ,ખોટા મેસેજ કે અરાજકતા સર્જાય તેવી તમામ વસ્તુઓ તરત જ ડિલીટ કરવામાં આવે છે. તો કેટલાક એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આજના સમયમાં સોશિયલ મીડિયા લોકો માટે ખૂબ મહત્વનું છે. તેથી હાલમાં ઉભી થયેલી પરિસ્થિતિમાં સોશિયલ મીડિયાના કારણે પરિસ્થિતિ વણશે નહિ તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.