- આઠ વર્ષ બાદ હઝરત ખાન ઉર્ફે હજુ મલિક પોલીસના સંકજામાં
- 80થી વધુ ગુનામાં સંડોવણી હોવાનું તપાસમાં ખુલ્યું
- સુરેન્દ્રનગરમાં ગુજસીટોકના ગુનામાં પણ વોન્ટેડ હતો
- પોલીસ પૂછપરછમાં વધુ ખુલાસા થવાની શકયતા
અમદાવાદઃ ગુજરાતના જુદા જુદા હાઇવે ઉપર રાતના અંધારાનો લાભ લઇને ચોરીની ઘટનાને અંજામ આપતી ગેડીયા ગેંગના મુખ્ય સૂત્રધારની અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડપી પાડયો છે. ઝડપાયેલા આરોપી પાસેથી ઘાતક તિક્ષ્ણ હથિયાર અને 3 કારતૂસ મળી આવ્યા હતા. આ સાથે જ લોડેડ પિસ્તોલ મળી આવી છે. ગેડીયા ગેંગનો આ કુખ્યાત આરોપી છેલ્લા સાત વર્ષથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો હતો ત્યારે અમદાવાદ ગ્રામ્ય LCBના સકંજામાં આવી ગયો. જ્યારે પ્રાથમિક પૂછપરછમાં એક ડઝનથી પણ વધારે ગુનાઓનો ભેદ ઉકેલવામાં LCBને સફળતા મળી છે.
ચોરી કરવામાં આરોપી અને તેના સાગરીતોની માસ્ટરી હતી
પોલીસ ગ્રુપમાં દેખાતા ખૂંખાર ગેડીયા ગામના આરોપી હઝરત ખાન ઉર્ફે હજુ મલિકની માત્ર 29 વર્ષની ઉંમર છે. જો તેના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો ચોરી, હત્યાની કોશિષ, લૂંટ અને ધાડ સહિત પોલીસ ઉપર હુમલો કરવાના અનેક ગુનાઓ તેના નામે દાખલ છે. માત્ર 29 વર્ષની ઉંમરમાં જ તેણે 80થી વધારે ગંભીર ગુનાઓને અંજામ આપી ચૂક્યો છે. રાતના અંધારામાં હાઇવે ઉપર માલ-સામાન લઈ જઈ રહેલી ટ્રક નજીક ચાલુ ગાડીએ તાલપત્રી કાપીને ચોરી કરવામાં આ આરોપી અને તેના સાગરીતોની માસ્ટરી હતી.
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર LCB ટીમે ગેડીયા ગેંગનો એક આરોપી ઝડપી પાડયો
આરોપી વર્ષ 2013થી ફરાર હતો
નોંધનીય છે કે આરોપી વર્ષ 2013થી ફરાર હતો. જેમાં ગેડીયા ગામના લોકો પણ આ ગાયને બચાવવામાં મદદ કરતા હતા. આરોપી હઝરત અને તેના સાગરિતો પોલીસની કે તેના બાતમીદારોને નજરમાં ન આવી જાય તે માટે ઝાડી ઝાંખરામાં છુપાઈને રહેતા હતા. જેથી અત્યાર સુધી પોલીસની નજરથી બચી જતો રહ્યો પરંતુ અમદાવાદ ગ્રામ્ય LCBની બાહોશ પોલીસે આરોપી હજુ મલિકને બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.
ગ્રામ્ય LCBએ આરોપીને દબોચી લીધો
ગેડીયા ગેંગના સાગરીતોએ સમગ્ર ગુજરાતના અલગ-અલગ હાઇવે ઉપર આતંક મચાવીને રાખ્યો હતો. ગ્રામ્ય LCBની બાહોશ પોલીસે આરોપીને દબોચી ગેંગના તમામ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસનું માનવું છે કે આરોપીની પૂછપરછમાં વધુ બનાવોનો ભેદ ખુલે તેવું અનુમાન લગાવી રહ્યા છે. જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે હઝરત ખાન ઉર્ફે હજુ મલિકના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં નામદાર કોર્ટમાં રિમાન્ડ મળ્યા બાદ અનેક જૂના ભેદ ખુલે તેવું પોલીસ માની રહી છે.
આ પણ વાંચોઃ FD અને દૈનિક રોકાણના નામે છેતરપીંડી કરનાર મુખ્ય આરોપી ઝડપાયો