અમદાવાદઃ શહેરના વંદે માતરમ્ રોડ પર આવેલા શાયોના આગમન પાસે અને જગતપુર નજીક આવેલા રહેણાંક વિસ્તારમાં બપોરે કોંક્રિટ લઈ જતી ટ્રક રસ્તા પર ગાબડું પડતા ફસાઈ ગઈ હતી. વરસાદ પડતાં શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે. વરસાદ પડવાથી અને નબળી ગુણવત્તાવાળા રોડને કારણે ગોતા વિસ્તારનો આ માર્ગ ધૂળિયો થઈ ગયો છે. રોડની બાજુમાં જુદા જુદા વિભાગના કામ પૂરા થઈ ગયા બાદ યોગ્ય પૂરાણના અભાવે રોડ તુટ્યા બાદ ધસી પડે છે. આ માર્ગ પર વાહનો ફસાવાની ઘટનાઓ વારંવાર બની રહી છે.
નવા વિકસતા આ વિસ્તારમાંથી પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓ તૂટેલા માર્ગો અને કાદવ કીચડથી પરેશાન થઈ ગયા છે. સ્થાનિક પ્રજાની વારંવાર રજૂઆત છતાં માર્ગોનું યોગ્ય સમારકામ થતું નથી. આથી અનેક વાર અકસ્માત સર્જાય છે અને ટ્રાફિકજામ પણ થઈ જાય છે.