- મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ સાથે બંધ બારણે બેઠક
- ભાજપ પ્રદેશ પ્રમખ સી. આર. પાટીલ સાથે બેઠક
- સચિવો અને કલેક્ટર સાથે પણ કરી બેઠક
- કેજરીવાલની ગુજરાત મુલાકાત પછી રાજકીય પરિમાણો પર ચર્ચા
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) આજે મંગળવારે અમદાવાદના સર્કિટ હાઉસ (Circuit House)માં વિવિધ બેઠકોનો દોર કર્યો છે. પહેલા તેમણે મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Chief Minister Vijay Rupani) અને ડે. સીએમ નિતીન પટેલ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે બેઠક કરી હતી. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Chief Minister Arvind Kejriwal)ની ગુજરાત મુલાકાત પછી ગુજરાતમાં શું રાજકીય ગતિવિધી છે, તેનો કયાસ મેળવ્યો હતો અને તમામ પાસે સુચનો પણ મેળવ્યાં હતા. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી. સતીશજી પણ આજે મંગળવારે અમદાવાદ આવ્યાં હતા.
રાજકીય પાસા ગોઠવવા માટે બેઠક
ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly)ની 2022ના ડીસેમ્બરમાં ચૂંટણી આવી રહી છે. તે પહેલા રાજકીય પાસા ગોઠવવા માટે અમિત શાહે બેઠકો કરી હતી. પ્રધાનમંડળના વિસ્તરણ તેમજ બોર્ડ નિગમમાં નિમણૂંક અને સંગઠનમાં ફેરફાર જેવા મુદ્દા પર ચર્ચા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. કોરોના દરમિયાન સરકારની કામગીરી, અને હવે વેક્સિનેશન(Vaccination)માં શું કામગીરી કરવી તે અંગે પણ કેટલાક સુચનો કર્યા છે.
નિતીન પટેલને કેન્દ્રમાં લઈ જવાશે?
અમિત શાહ સોમવારે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ(Deputy Chief Minister Nitin Patel) ને એકલા મળ્યા હતા. રાજ્યપાલના ઘેર ગયા ત્યારે પણ ડે. સીએમ નિતીન પટેલને સાથે રાખ્યા હતા. સુત્રોના કહેવા પ્રમાણે નિતીન પટેલને કેન્દ્રમાં લઈ જવા માટે પણ વાતચીત થઈ હોઈ શકે છે. ખોડલધામમાં નરેશ પટેલના નિવેદન મુખ્યપ્રધાન તો પાટીદાર જ હોવા જોઈએ, જે પછી ભાજપની નેતાગીરીમાં ફેરફાર આવી શકે છે. પાટીદારોને ખુશ કરવા માટે નિતીન પટેલને કેન્દ્રમાં મહત્વનો હોદ્દો અપાય તેવી પણ શક્યતાઓ છે. જેનાથી તેઓ પાટીદારોને ખુશ કરી શકે અને પાટીદારો ભાજપ સાથે જ રહે.
આ પણ વાંચોઃ રસીકરણ અભિયાન માટે હું વડાપ્રધાન મોદીનો આભાર માનું છું : અમિત શાહ
સાબરમતી આશ્રમ પ્રોજેક્ટની સમીક્ષા કરી
અમિત શાહ સાથે સુરત મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી અને ભાજપના મહામંત્રી રજની પટેલે બેઠક કરી હતી. ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ, મહેસુલપ્રધાન કૌશીક પટેલ અને શહેર મહામંત્રી કૌશિક જૈન સાથે બેઠક થઈ હતી. અમદાવાદ કલેકટર સંદીપ સાંગલે પણ અમિત શાહને મળ્યા હતા. તેમજ સાબરમતી આશ્રમ અને સાયન્સ સિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી અને પ્રેઝન્ટેશન જોયું હતું.
અનેક સચિવોને મળ્યા, વિવિધ પ્રોજેક્ટની માહિતી મેળવી
લેબર કમિશનર અંજુ શર્મા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, રાજીવ ગુપ્તા, કે કૈલાશનાથને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ કમિશનર આશિષ નહેરાએ પણ અમિત શાહ સાથે બેઠક કરીને ગુજરાતના વિકાસના કામો અંગે સંપૂર્ણ ચિતાર મેળવ્યો હતો. તેમજ સાયન્સ સિટીના ડાયરેક્ટર અને મેટ્રોના એમડી સાથે બેઠક કરી હતી. ગુજરાતના વિકાસના તમામ કાર્યોનો ચિતાર મેળવીને 2021ના વર્ષમાં અથવા તો 2022 ના પ્રથમ 6 મહિનામાં આ પ્રોજેક્ટ પૂર્ણ થાય તે માટે કેટલાક સુચનો કર્યા હતા. ટૂંકમાં 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તે પહેલા ગુજરાતના મોટાભાગના વિકાસ કામો પૂર્ણ થાય તો ભાજપના કામોની યશગાથા પ્રજા સમક્ષ વર્ણવી શકાય.
આ પણ વાંચોઃ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે 864 કરોડના ખર્ચે 6 લેન હાઈવે બનશે: અમિત શાહ
ગુજરાતમાં AAPની એન્ટ્રીથી ભાજપ ચિતિંત
અમિત શાહે વિકાસના કામોની સ્થિતિ જાણી અને 2022ની ચૂંટણી માટેનો તખતો તૈયાર કર્યો હતો. હવે ગુજરાતમાં ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી આવી છે. સુરત કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી 27 બેઠકો મેળવી ચુકી છે, જેથી ભાજપે અત્યારથી સજાગ રહેવું પડશે, એ ન્યાયે અમિત શાહે હાલની વર્તમાન સ્થિતિનો કયાસ કાઢ્યો છે. આવનાર સમયમાં અનેક ફેરફારો આવશે તેવી સંભાવનાઓ ચર્ચાઈ રહી છે.
આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોલવડા Vaccine Centerની મુલાકાત લીધી, લોકોને કરી ખાસ અપીલ