11મી જાન્યુઆરીએ સવારે 10 વાગ્યે દેશના ગૃહપ્રધાન અને રાજ્યના મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવશે. પ્રોજેક્ટમાં વિશ્વાસ એટલે કે CCTVના નેટવર્ક થકી ગુનાહિત પ્રવૃત્તિ પર પોલીસની બાજનજર રહેશે અને ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સીસ્ટમ એમ બંન્ને રીતે કામ કરશે. જ્યારે ડિજિટલ જમાનામાં ઇન્ટરનેટ વગર ચાલી શકે તેમ નથી. જો કે ડીજીટલ સ્પેસમાં ગુનેગારો પણ ગુનો આચરવા માટે નતનવા કીમીયા અપનાવતા હોય છે. સાયબર ક્રાઇમ આજની તારીખમાં સૌથી વધી રહેલા ગુનાઓ છે.
અમદાવાદમાં સ્પેશિયલ પોલીસ કમિશનર અજય તોમરના જણાવ્યા મુજબ સાયબર ક્રાઇમ દ્વારા અનેક પોલીસ અધિકારીને આ પ્રોજેક્ટ અંતર્ગત તાલીમ પણ આપવામાં આવી છે. જો કે હાલના સમયમાં ઓટીપી મેળવીને કે પછી એટીએમ કે ડેબીટ કાર્ડ કે પછી બેંકની વીગતો મેળવીને બેંકમાંથી બારોબાર રૂપીયા ઉપડી જવાના અસંખ્ય બનાવો બની રહ્યાં છે. ત્યારે આવા બનાવમાં ફ્રોડ થયેલા રૂપીયા આરોપીઓ સુધી પહોંચે તે પહેલા જ ફરિયાદીને મળી રહે તે પ્રકારના પ્રયત્નો પણ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવ્યાં છે.