- ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં તમામ દર્દીઓને મળશે પ્રવેશ
- ટોકન વગરના અને સ્થિતિ વધારે ખરાબ હોય તેવા દર્દીઓને સીધો જ અપાશે પ્રવેશ
- સ્ટાફની અછતને લઇને ભારતીય નૌકાદળની ટીમ પણ ફાળવાઇ
અમદાવાદઃ રાજ્યમાં સૌથી વધારે સંક્રમણ અમદાવાદ શહેરમાં ફેલાયેલું છે, ત્યારે શહેરની મોટા ભાગની સરકારી હોસ્પિટલોમાં બેડ ફૂલ થઇ ચૂક્યા છે. ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં આજે શુક્રવારે સવારે 100 બેડ ખાલી હતા અને 100 લોકોને ટોકન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઇને તમામ ટોકન બપોર સુધીમાં પૂર્ણ થઇ ચૂક્યા હતા. તો હોસ્પિટલમાં સ્ટાફની અછતને લઇને ભારતીય નૌકાદળની ટીમ પણ ફાળવવામાં આવી છે.
અતિ ગંભીર હોય તેવા દર્દીઓને સામાન્ય વાહન કે ખાનગી એમ્બ્યુલન્સમાં પણ સારવાર અપાશે
ગંભીર દર્દીઓને ભોગવવી પડતી હાલાકી અને લોકોની વેદના અંગે Etv Bharat દ્વારા અહેવાલ છેલ્લા 2 દિવસથી પ્રસિદ્ધ કરવામાં આવતો હતો. જેને લઇને આજે શુક્રવારે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે, ક્રિટીકલ દર્દીઓને સીધા જ દાખલ કરી દેવામાં આવશે. દર્દીઓને માટે પહેલા ટોકન સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી હતી. જેમાં જે દર્દીઓની સ્થિતિ અતિ ગંભીર હોય તેવા દર્દીઓને સામાન્ય વાહન કે ખાનગી એમ્બ્યુલન્સમાં પણ સારવાર માટે પ્રવેશ આપવામાં આવે છે.
આ પણ વાંચો : કોરોનાકાળમાં વૃદ્ધાશ્રમમાં સંખ્યા વધી
તબક્કાવાર માનવબળનો ઉમેરો થતા આરોગ્ય સેવા વધુ સુદ્રઢ બનશે
ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં ફર્સ્ટ રિસ્પોન્સ ટીમો પણ કાર્યરત કરવામાં આવી છે. જેથી દર્દીઓને સારવારમાં કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય. ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ નવી વ્યવસ્થાનું સતત નિરિક્ષણ અને મૂલ્યાંકન પણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત દાખલ કરવામાં આવી રહેલા દર્દીઓને ઉત્તમ પ્રકારની આરોગ્યસેવા મળી રહે તે માટે તબક્કાવાર માનવબળનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે. જેના પગલે આરોગ્ય સેવા વધુ સુદ્રઢ બનશે.
આ પણ વાંચો : 900 બેડની ધનવન્તરી હોસ્પિટલમાં ટોકનથી મળતી સારવારને લઇ હાઇકોર્ટમાં અરજી
હોસ્પિટલમાં સ્ટાફની છે અછત, નૌકાદળની ટીમ ફાળવાઇ
ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં હાઉસ કિપિંગ સ્ટાફ, વૉર્ડબોયની નિમણૂંક કરવામાં આવી છે. આ સ્ટાફ 24 કલાક દર્દીઓની સેવા માટે કાર્યરત રહેશે. નૌકાદળની ટીમ પણ ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં ફાળવવામાં આવી છે. સ્ટાફની કમીને કારણે હાલ ઓછા દર્દીઓને જ સારવાર માટે પ્રવેશ આપવામાં આવતા હતા. 76 લોકોની ટીમમાં મેડિકલ અને નર્સિંગ અધિકારીઓ, પેરામેડિક્સ અને બેટલ ફીલ્ડ નર્સિંગ સહાયકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે હવે સેવા આપશે.