- મણિનગર વિસ્તારમાંથી ગુમ થયેલી સગીરા મળી આવતા થયો ખુલાસો
- સોશિયલ મીડિયામાં પોતાની ગુમ થયેલી બાળકીને શોધવા અપીલ કરનારો પિતા નકલી નિકળ્યો
- નકલી પિતા દુષ્કર્મ આચરતો હોવાથી તેના ત્રાસથી કંટાળીને ભાગી ગઈ હતી
અમદાવાદ: સોશિયલ મીડિયામાં એક આધેડની 17 વર્ષની દીકરી ગુમ થઈ હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. વાઈરલ થયેલા વીડિયોના આધારે મણિનગર પોલીસે લુધિયાણાના આધેડ કુલદીપસિંહની દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધી હતી. પોલીસ તપાસમાં સગીરાના રીક્ષા અને બાઇક પર જતી હોય તેવા CCTV ફૂટેજ સામે આવ્યા હતા. પોલીસે CCTV ફૂટેજની મદદથી સગીરાને શોધી લીધી હતી. સગીરાની પૂછપરછમાં નકલી પિતા દ્વારા જ તેણી પર દુષ્કર્મ આચરવામાં આવતો હોવાની કેફિયત રજૂ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે નકલી પિતાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: રાજકોટમાં 13 વર્ષીય સગીરાને છત પર રમવા માટે બોલાવીને સગીરોએ દુષ્કર્મ આચર્યુ
સગીરાને સાથે રાખીને વિવિધ વિસ્તારોમાં માંગતો હતો ભીખ
સગીરાની પૂછપરછમાં તેણીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. પોલીસે સગીરાના જે પિતાનો વીડિયો જોઈને તેણીની શોધખોળ હાથ ધરી હતી, તે કુલદીપસિંહ સગીરાના પિતા ન હોવાનો ઘટસ્ફોટ તેણીએ જાતે જ કર્યો હતો. એટલું જ નહીં, કુલદીપસિંહ સગીરાને સાથે રાખીને વિવિધ વિસ્તારોમાં ભીખ માંગતો હતો અને તેમાંથી પૈસા ભેગા કરીને સગીરાને હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચરતો હોવાનું સગીરાએ પોલીસને જણાવ્યું હતું.
સાચા માતા-પિતા જુદા થઈ જતા સગીરા નરાધમ પાસે આવી પહોંચી
સગીરાએ પોલીસને વધુમાં જણાવ્યું હતું કે, તેણીના સાચા માતા-પિતા આસામમાં રહે છે. બન્ને વચ્ચે મનભેદ થતા તેઓ જુદા થઈ ગયા હતા. જેથી સગીરાને કુલદીપસિંહ તેની સાથે લઈ ગયો હતો. પિતાની ઉંમરના આધેડ દ્વારા અવારનવાર આચરવામાં આવતા દુષ્કર્મ અને માનસિક હેરાનગતિથી કંટાળીને તે નાસી ગઈ હતી.
દીકરીને ભણાવવાની લાલચ આપીને લઈ ગયો
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપી કુલદીપસિંહ લોકડાઉન દરમિયાન એપ્રિલ મહિનામાં આસામ ગયો હતો. જ્યાં બલિયા ગામમાં આવેલા ગુરુદ્વારામાં સગીરાના પરિવારના સંપર્કમાં આવ્યો હતો. સગીરાના પરિવારજનોનો લોકડાઉનમાં ધંધો બંધ થઈ જતા કુલદીપસિંહ દીકરીને ભણાવવા તેમજ આર્થિક મદદની લાલચ આપીને પોતાની સાથે લઈ ગયો હતો.
આ પણ વાંચો: ચાલતી કારમાં 12 લોકોએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ, વીડિયો વાયરલ થતાં કેસ દાખલ
છેલ્લા એક વર્ષમાં આરોપી સગીરાને લઈને 4 રાજ્યોમાં ફર્યો
કુલદીપસિંહ પોતે વિકલાંગ હોવાના બહાને દીકરીને ભણાવવા માટે વિવિધ રાજ્યોમાં ફરતો હતો. છેલ્લા એક વર્ષમાં તે 4 રાજ્યોમાં ફર્યો હતો. જ્યાં ગુરૂદ્વારાઓમાં ભીખ માંગીને ભેગા કરેલા પૈસામાંથી સગીરાને લઈને હોટલમાં રોકાવવા જતો હતો અને તેણીના પર દુષ્કર્મ આચરતો હતો. તક મળતા સગીરા મણિનગર ગુરૂદ્વારામાંથી નાસી છૂટી હતી અને એક મિત્રને ફોન કરીને મદદ માંગી હતી.
પોક્સો સહિતની કલમો અંતર્ગત પોલીસે તપાસ હાથ ધરી
આ બનાવ સંદર્ભે મણિનગર પોલીસે સગીરાને મેડિકલ તપાસ માટે મોકલીને તેણીના પરિવારનો સંપર્ક કર્યો છે. જ્યારે, આરોપી કુલદીપસિંહની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસ દ્વારા અપહરણના આ ગુનામાં પોક્સો સહિતની અન્ય કલમોનો ઉમેરો કરીને તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીની પત્ની થોડા વર્ષો પહેલા મૃત્યુ પામી હતી. જ્યારબાદથી તે વિકૃત માનસિકતા ધરાવતો થઈ ગયો હતો. પોલીસે તેના મોબાઈલ ફોનની તપાસ કરતા તેમાંથી પોર્ન સાઇટો પણ મળી આવી હતી.