- વેજલપુર વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગી
- 20થી 25 ઝુંપડા બળીને ખાખ થયા
- આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી
અમદાવાદ : શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. વેજલપુર વિસ્તારમાં આવેલી ઝૂપડપટ્ટીમાં આજે મંગળવારે સવારે 10 વાગ્યાની આસપાસ આ ભીષણ આગ લાગી છે. જે બાદ તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ આ ટીમ પહોંચે તે પહેલા તો 20થી 25 ઝૂંપડાઓ બળીને ખાખ થઇ ગયા છે. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં હજી કોઇ જાનહાનીનાં સમાચાર સામે આવ્યાં નથી. આ આગ લાગવા પાછળનું કારણ પણ હજી સ્પષ્ટપણે સામે આવ્યું નથી.
આ પણ વાંચો : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાગી આગ, કોઈ જાનહાની નહિ
આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ સામે નથી આવ્યું
ફાયર વિભાગના અધિકારીનાં જણાવ્યાં પ્રમાણે, આ આગમાં બે સિલિન્ડર બ્લાસ્ટ પણ થયા હતા. જેના કારણે આ આગ ઘણી જ ફેલાઇ હતી. આઠ જેટલી ફાયરની ગાડીઓ આ ભીષણ આગને બુઝાવવાનું કામ કરી રહી હતી. મહદઅંશે આ આગને કાબુમાં લેવામાં આવી છે. અચાનક લાગેલી આ ભીષણ આગને કારણે ત્યાં રહેતા લોકોમાં અફરાતફરીનો માહોલ છવાઇ ગયો હતો. લોકો ઘણાં જ ડરી ગયા હતા. જોકે ફાયરની ટીમે આ લોકોને આસપાસનાં સલામત સ્થળે ખસેડી દીધા હતા.
આ પણ વાંચો : પાલનપુર અમદાવાદ હાઇવે પર બસમાં લાગી આગ, કોઇ જાનહાનિ નહીં
આગની ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી
ઝૂંપડપટ્ટીમાં કાચા મકાનો અને ઝૂંપડાઓ પાસપાસે આવેલાં હોવાને કારણે આગને કાબૂમાં લેવામાં ફાયર બ્રિગેડને મુશ્કેલી પડી રહી છે. જેના કારણે મકાનોની ઉપર જઇને ફાયરબ્રિગેડ પાણીનો મારો ચલાવી રહ્યાં છે. તો બીજી બાજુ ત્યાં રહેતા લોકો ઝૂંપડામાં જે પણ સામાન કે ગેસનો બોટલ બચ્યો હોય તો તે લઇને સલામત સ્થળે જઇ રહ્યાં છે.