અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં શ્રેય હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ માટે ફાળવવામાં આવી છે. આજે વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ અચાનક જ હોસ્પિટલના 4થા માળે આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગ લાગવાને કારણે હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ 8 દર્દીઓના મોત થયા હતા. દર્દીઓના મોત થતાં જ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દોડતું થયું હતું. તમામ દર્દીઓના મૃતદેહ હોસ્પિટલની બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યાં છે. હોસ્પિટલમાં દાખલ 40 જેટલા અન્ય દર્દીઓને સારવાર માટે SVP હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
- અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ભીષણ આગ
- ગુજરાતની કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની પ્રથમ ઘટના
- આગ બાદ શ્રેય હોસ્પિટલમાં બહાર દર્દીઓના સ્વજનોનો આક્રોશ
- શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન
- હોસ્પિટલમાં દાખલ 40 જેટલા અન્ય દર્દીઓને SVP હોસ્પિટલ ખસેડાયા
મહત્વનું છે કે, આગ લાગવાના બનાવમાં હોસ્પિટલના કોઈ વ્યક્તિને ઇજા પહોંચી નથી, એટલે દર્દીઓના સગાએ પણ આરોપ લગાવ્યો છે કે, તેમને હોસ્પિટલ દ્વારા આગના બનાવ અંગે જાણ કરવામાં આવી નહોતી અને વોર્ડમાં પણ કોઈ દર્દીઓ પાસે હાજર નહોતું. આ સમગ્ર મામલે તંત્ર દ્વારા કાર્યવાહી કરવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવાનું રહ્યું.