- આરોગ્ય કમિશનર સિવિલ હોસ્પિટલમાં ઉપસ્થિતિ
- હેલ્થકેર વર્કરો અને પોલીસકર્મીઓનો વધાર્યો ઉત્સાહ
- બી.જે. મેડિકલ કૉલેજના ૧૯૭ વિધાર્થીઓએ પણ કોરોના રસીકરણ કરાવ્યું
અમદાવાદ: આરોગ્ય કમિશનરે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઉપસ્થિત રહી સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારબાદ રસીકરણ કેન્દ્રની મુલાકાત લઇને વેક્સિન લેનાર તમામ હેલ્થકેર વર્કરો અને પોલીસકર્મીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે રસી લેનાર તમામ હેલ્થકેર વર્કર અને પોલીસ કર્મીઓને કોરોના વેક્સિનની અગત્યતા વિષે વિગતવાર માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. કોરોનાની રસી સંપૂર્ણપણે સુરક્ષિત અને સલામત હોવાનો વિશ્વાસ વ્યક્ત કરીને વધુમાં વધુ લોકોને રસીકરણ માટે અપીલ કરી હતી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે CISF ના જવાનોને કોરોના રસીકરણ માટે કુલ 8 કેન્દ્ર, અને અમદાવાદ સિવિલ સંકુલમાં NSG જવાનો માટે કુલ 4 જેટલા કેન્દ્રો ઉભા કરીને આજ રોજ 1000 જેટલા ફ્રંટલાઇન કોરોના વોરિયર્સના વેક્સિનેશનની કામગીરી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ સીવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા જવાનો માટે આજરોજ ઉભા કરાયેલ કોરોના રસીકરણ કેન્દ્રમાં રૂબરૂ મુલાકાત લઈ કોરોના રસીકરણ સંપૂર્ણ સલામત હોવાની હૈયા ધારણા બાંધવામાં આવી હતી.

કોરોના રસીકરણના 19મા દિવસે 634 હેલ્થ વર્કરો જેમાં 197 બી.જે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને 478 સિવિલ હોસ્પિટલના હેલ્થ વર્કરો, 164 પોલીસ કર્મીઓએ કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ મેળવીને સુરક્ષાકવચથી સજ્જ થયા હતા. મંગળવારના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં નર્સિંગ સ્ટાફમાં રસીકરણ માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફે વેક્સિન લઇને કોરોના સામેની લડત માટે કમર કસી હતી.

અમદાવાદ સીવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ જે.વી. મોદીના માર્ગદર્શન હેઠળ બી.જે. મેડીકલ કોલેજ ખાતે વેક્સિન કેન્દ્ર કાર્યરત કરીને અભ્યાસ કરી રહેલા 1000થી વધુ વિધાર્થીઓને કોરોનાની રસી અપાવીને સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરી હતી. સિવિલ હોસ્પિટલમાંથી વિવિધ ટીમે અમદાવાદ શહેરના વિવિધ સ્થળે કોરોના રસીકરણ કેન્દ્ર બનાવીને વધુમાં વધુ ફ્રંટલાઇન વર્કરોને રસી અપાવવા કાર્યરત થઇ હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિસીન વિભાગમાં સેવારત તબીબી દંપતી ડૉ. કમલેશ ઉપાધ્યાય અને ડૉ. નિલીમા શાહે પણ આજે વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ અન્ય તબીબોનો ઉત્સાહ વધાર્યો હતો.