અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં ખોડીયાર માતાના મંદિર પાસે ધોળા દિવસે લૂંટારૂઓએ એક જ્વેલર્સને લૂંટતા પોલીસ દોડતી થઈ છે. જ્વેલર્સ સોનું ભરેલી બેગ લઈ નિકોલ ગામ બહાર આવેલા ખોડીયાર માતાના મંદિર નજીકની પસાર થઈ રહ્યો હતો, તે સમયે લૂંટારૂ ટોળકીએ તેમને આંતરી હાથમાં રહેલી બેગ છીનવી ફરાર થઈ ગયા હતા. જેથી જ્વેલર્સે તાત્કાલિક નિકોલ પોલીસનો સંપર્ક કરતાં પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી.
આ અંગે વેપારીએ પોલીસને જણાવ્યું કે, તે પોતાની કારમાં સોનું ભરેલી બેગ લઈ અહીં એક વેપારીને જ્વેલરીની ડિઝાઈન બતાવવા આવ્યા હતા અને ગાડીની ડેકી ખોલી બેગ કાઢી રહ્યા હતા, તે સમયે પલ્સર બાઈક પર આવેલા 2 શખ્સોએ ચીલ ઝડપે તેમના હાથમાંથી બેગ છીનવી લીધી હતી અને રફૂચક્કર થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, સીજી રોડ પર આવેલા વિકાસ ગોલ્ડના વેપારી નિકોલ સોનાના વેપાર માટે આવ્યા હતા. તે સમયે તેમની સાથે 3 કિલો સોનાના લૂંટની ઘટના બની છે. પોલીસે હાલમાં લૂંટારૂઓ અમદાવાદથી બહાર ભાગી ન જાય તે માટે નાકાબંધી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત પોલીસે ઘટના સ્થળ પર રહેલા CCTV ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ગત 1 મહિનામાં અનેક લૂંટ અને ચોરીના બનાવો સામે આવ્યા છે.