અમદાવાદઃ ધોળકામાં આવેલી કેડિલા યુનિટના 21 કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. થોડા દિવસો પહેલા 30 લોકોના શંકાસ્પદ સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 21 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 9 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. કેડિલા યુનિટમાં કોરોનાના 21 પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદથી અપડાઉન કરતાં મોટાભાગના કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. ધોળકામાં આવેલા કેડિલા યુનિટનો પ્લાન્ટ ત્રાસદમાં આવેલો છે. જેથી 21 પોઝિટિવ કેસ નોંધાતા ત્રાસદમાં કેડિલા યુનિટના પેકેજિંગ યુનિટને તંત્ર દ્વારા સીલ કરવામાં આવી શકે છે.
બે દિવસ અગાઉ જે 14 જેટલા પોઝિટિવ દર્દીઓ આવ્યા હતા તેમને અમદાવાદની હોસ્પિટલોમાંથી ધોળકા ક્લીકુંન્ડ ખાતે અતિથિગૃહમાં શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં લાવવામાં આવ્યા છે. ધોળકા પંથકમાં માત્ર 17 દિવસમાં જ કુલ 41 જેટલા કોરોના વાઇરસના પોઝિટિવ દર્દી આરોગ્ય વિભાગમાં નોંધાયા છે.