- ગાંધીનગરના મેડિકલ કોલેજમાંથી અભ્યાસ કરી ચૂકેલા 16 યુવા ડોક્ટર્સની નવી પહેલ
- પોતાના નંબરને હેલ્પ લાઈન નંબર તરીકે જાહેર કર્યા
- હેલ્પ લાઈન નંબરનો સંપર્ક કરતા કોરોનાની માહિતી મળે છે
અમદાવાદઃ ગાંધીનગરની GMERS મેડિકલ કોલેજમાંથી હાલમાં જ MBBS પૂર્ણ કરી ચૂકેલા 16 વિદ્યાર્થીઓએ નવી પહેલ કરી છે. તેમણે લોકોને ફોન પર કોરોનાને લઇ કોઈ પણ માહિતી મળી રહે તે માટે પોતાના મોબાઈલ નંબરને હેલ્પલાઈન નંબર તરીકે જાહેર કરી નવી પહેલની શરૂઆત કરી છે. આ હેલ્પલાઇન પર દૈનિક 35થી 40 લોકોના ફોન આવે છે. અને કોરોના પોઝિટિવ આવતા તેમણે શું કરવું ? શું ન કરવું ? જેવી તેમની શંકાઓનો નિકાલ મેળવી રહ્યા છે.
આ પણ વાંચોઃ મહીસાગર જિલ્લા રોજગાર કચેરીઃ નોકરીદાતા અને રોજગાર વાંચ્છુક ઉમેદવારો માટે હેલ્પલાઇન શરૂ કરાઈ
કોણ છે આ 16 યુવાઓ ?
આ 16 યુવાઓ GMERS ગાંધીનગરમાંથી હાલમાં જ પાસ કરી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં તબીબ ક્ષેત્રે ફરજ બજાવે છે. કોઈ સુરેન્દ્રનગરમાં સેવા આપી રહ્યા છે તો કોઈ આણંદના PHC સેન્ટરમાં ફરજ બજાવી રહ્યા છે. પરંતુ આ સાથોસાથ તેમણે 4-4 મિત્રોની 4 ટીમ બનાવી કુલ 16 નંબરને હેલ્પલાઇન તરીકે શરુ કર્યા છે.
રાત્રે 12 વાગ્યા બાદ પણ આ હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકાય છે
4 ટીમ સવારે 8થી રાત્રિના 12 ક્લાક સુધી કાર્યરત રહે છે. જો કે, રાત્રે 12 વાગ્યા બાદ પણ આ હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકાય છે. અહીં મહત્વનું છે કે, આ એક ગેરસરકારી પહેલ હોવાથી હેલ્પલાઇન માત્ર કોરોનાને લઇ માર્ગદર્શન આપે છે. હોસ્પિટલમાં બેડ અથવા અન્ય વસ્તુઓ પુરી પાડતી નથી.
આ સમય કોઈને સ્પર્શ કરવાનો નથી પણ કોઈનો સાથ છોડવાનો પણ નથી
ફ્રી હેલ્પ લાઈનના સભ્ય ડો. મીતે ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેમની ટીમે શિફ્ટ નક્કી કરી પોતાના નંબર જાહેર કર્યા છે. જેમને પણ મદદની કોઈ જરૂર હોય તેઓ સંપર્ક કરી શકે છે. તેમનું કહેવું છે કે, આ સમય કોઈને સ્પર્શ કરવાનો નથી પણ કોઈનો સાથ છોડવાનો પણ નથી.
70 વર્ષીય કોરોનાના દર્દીએ તેમની હેલ્પ લાઈનનો સંપર્ક કર્યો હતો
આ ઉપરાંત પોતાને થયેલા અનુભવનો કિસ્સો સંભળાવતા તેમણે જણાવ્યું હતું કે, એક 70 વર્ષીય કોરોનાના દર્દીએ તેમની હેલ્પ લાઈનનો સંપર્ક કર્યો હતો. તેમણે કોરોનાને લઇ જાણકારી મેળવી હતી. જેમાં તેમણે શું જમવું? કઈ રીતે રહેવું તેની માહિતી મેળવી હતી. પોતે મેળવેલી માહીતીનું અનુસરણ કરી તેમણે કોરોનાને માત આપી હતી. 10 દિવસ બાદ હેલ્પલાઈનનો ધન્યવાદ કરવા ફરી કોલ કર્યો હતો.
આ પણ વાંચોઃ પ્રદેશ ભાજપે કોરોનાકાળમાં લોકોને મદદ કરવા હેલ્પલાઇન શરૂ કરી
કઈ રીતે નવી પહેલનો આઈડિયા આવ્યો?
ડો. મીત દોશીનું કહેવું છે કે, કોરોનાના સમયમાં અમારા ગ્રુપના લોકોની હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ ચાલતી હતી. એ સમયે અમને દર્દીઓની સેવા કરવાનો લાભ મળ્યો. ઇન્ટર્નશીપ પુરી થયા બાદ કોરોનાની કપરી સ્થિતિમાં અમે લોકોને કઈ રીતે મદદ કરી શકીએ તે માટેની ચર્ચા દરમિયાન અમને હેલ્પલાઇન શરુ કરવાનો વિચાર આવ્યો હતો. આ સિવાય કોરોનામાં અમે અમારા ઘર પરિવારમાંથી પણ કેટલાય સભ્યોને ગુમાવ્યા છે. અમે તેમને બચાવી શક્યા નથી, પણ બીજાને જીવ ગુમાવવો ન પડે તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છે.