આનંદનગર વિસ્તારમાં રહેતાં પરિવારની 11 વર્ષની પુત્રી છેલ્લા કેટલાય સમયથી સ્કલૂવાનમાં શાળાએ જતી હતી. પુત્રી છેલ્લા કેટલાક સમયથી ડરેલી લાગતી હોવાથી પરિવારે આ બાબતે પ્રશ્ન પુછતા દીકરીએ ઘટસ્ફોટ કર્યો કે, પોતે સ્કૂલવાનમાં શાળાએ જતી હોય ત્યારે, વાનના ડ્રાઈવર અંકલ તેણીની સાથે શારીરિક અડપલા કરે છે. સાથે જ અવારનવાર મોબાઈલમાં મેસેજ કરી હેરાન કરે છે અને આ વાત કોઈને ન કહેવા માટે ધમકી આપે છે.
કિશોરીના પિતાએ બનાવને પગલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર ઈમ્તિયાઝ વિરુદ્ધ ફરીયાદ કરી હતી. જેથી પોસીસે આરોપી સામે પોકસો એક્ટની કલમ અને છેડતીની કલમ નોંધી ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી છેલ્લા 4 મહિનાથી કિશોરીની સાથે શારીરિક અડપલા અને મેસેજ કરીને પરેશાન કરતો હતો. પોલીસે આ સ્કૂલવાનમાં જતી અન્ય બાળકીઓ પણ શિકાર બની છે કે, નહી તે અંગે તપાસ શરૂ કરી છે. આરોપી વાનમાં બીજા વિદ્યાર્થીઓ હોય ત્યારે સામાન્ય વર્તન કરતો, પણ જ્યારે કિશોરી એકલી પડે ત્યારે તેને આગળની સીટમાં બેસાડી શારીરીક અડપલા કરતો હતો.