શહેરના થલતેજ વિસ્તારની ઉદગમ સ્કૂલમાં અભ્યાસ કરનારા અયાન શાહને નાનપણથી જ સ્કેટિંગનો શોખ હતો. જેને પગલે તે સ્કેટિંગ શીખતો હતો. શરૂઆતમાં તે શીખતાં શીખતાં પડી જતો હતો તેમ છતાં માતા-પિતાના સહકારથી અયાને સ્કેટીંગ શરૂ રાખ્યું હતું. અયાનના માતા અનુજબેન શાહ તેને રોજ સાંજે GLS કૉલેજના સ્કેટિંગ ગ્રાઉન્ડમાં 2 કલાક પ્રેક્ટિસ કરાવતા હતા.
નિયમિત પ્રેક્ટિસ અને માતા-પિતાના સહકારે અયાનની પ્રેક્ટિસને એક નવો રંગ આપ્યો. એટલે કે, માત્ર શોખ માટે સ્કેટિંગ કરનારા અયાને ગુજરાત લેવલની ચેમ્પિયનશીપમાં ભાગ લીધો, જેમાં 4 ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો. આ મેડલથી ખુશ થયેલા માતા-પિતા અયાનને આ દિશામાં જ આગળ વધારવા માગતા હતા.
માતા અનુજાબેન શિક્ષક અને પિતા હિરલ એક ચાર્ટડ એકાઉન્ટન્ટ હોવા છતાં પોતાના બાળક માટે ગમે તેવી આકરી પરિસ્થિતિમાં સમય કાઢતા હતા અને સ્કેટિંગની પ્રેક્ટિસ કરાવવાનું ભૂલતા નહોતા. સ્ટેટ લેવલની ચેમ્પિયનશિપ જીત્યા બાદ માતા-પિતાએ અયાનને નેશનલ લેવલની ચેમ્પિયનશીપમાં ભાગ લેવા માટે આહ્વાન કર્યું હતું.
17 ડિસેમ્બરે વિશાખપટનમમાં નેશનલ લેવલની સ્કેટિંગ ચેમ્પિયનશીપ યોજાઈ હતી. જેમાં અયાને ગુજરાત તરફથી પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં આયાને ગોલ્ડ મેડલ જીતી તેના પરિવાર ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે. એશિયા લેવલની ચેમ્પિયનશિપમાં અને વર્લ્ડ લેવલની ચેમ્પિયમશીપમાં પણ ગોલ્ડ મેડલ જીતવાની ઇચ્છા અયાન ધરાવે છે.
અયાનની માતાના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં અયાન પ્રેક્ટિસ દરમિયાન પડી જતો હતો અને ઇજા પહોંચતી હતી. જેથી મને એક પ્રકારનો ડર સતાવતો હતો. પરંતુ ધીરે ધીરે મારો તે ડર દૂર થયો અને એક બાદ એક મેચમાં જીત મેળવનાપ દીકરા પર મને ગર્વ થવા લાગ્યો હતો.