નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય સમીક્ષા બેઠકના પરિણામો, મેક્રો ઇકોનોમિક ડેટા અને વૈશ્વિક વલણ આ સપ્તાહે શેરબજારોની દિશા નક્કી કરશે. વિશ્લેષકોએ આ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. આ સિવાય વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)ની ગતિવિધિઓ પણ બજારની દિશાને અસર કરશે. મંગળવારે 'મહાવીર જયંતિ' અને શુક્રવારે 'ગુડ ફ્રાઈડે'ના દિવસે બજારમાં રજા રહેશે.
આ પણ વાંચો: Adani News: અદાણી પોર્ટ્સે કરાઈકલ પોર્ટ હસ્તગત કર્યું, લેણદારોને રૂપિયા 1,485 કરોડ ચૂકવશે
વાહન વેચાણના આંકડા: સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટ લિ. વરિષ્ઠ ટેકનિકલ એનાલિસ્ટ પ્રવેશ ગૌરે જણાવ્યું હતું કે, “રોકાણકારો FPIs અને ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DIIs)ના વલણ પર નજર રાખશે. FPIs હવે ચોખ્ખા ખરીદદારો છે. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક પર પણ બજારની નજર રહેશે. એમપીસીની બેઠકના પરિણામો 6 એપ્રિલે જાહેર કરવામાં આવશે. શનિવારે આવેલા વાહન વેચાણના આંકડા ઘણા સારા રહ્યા છે. મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ અને ટાટા મોટર્સે છેલ્લા નાણાકીય વર્ષમાં તેમનું અત્યાર સુધીનું સૌથી વધુ વાર્ષિક વેચાણ નોંધાવ્યું છે. ઓટોમોબાઈલ ઉદ્યોગનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
વિદેશી ભંડોળના પ્રવાહથી બજારને અસર: રેલિગેર બ્રોકિંગના ટેક્નિકલ રિસર્ચના વાઇસ-પ્રેસિડેન્ટ અજીત મિશ્રાએ જણાવ્યું હતું કે, “આ અઠવાડિયે રજા છે. બજારના સહભાગીઓ અનેક વિકાસ અને ડેટાને કારણે 'વ્યસ્ત' હશે. મેક્રો ઇકોનોમિક મોરચે, મેન્યુફેક્ચરિંગ PMI અને સેવાઓ PMIના આંકડા 3 અને 5 એપ્રિલે આવશે. બજાર ખાસ કરીને આગામી 6 એપ્રિલના રોજ મળનારી MPC બેઠકના પરિણામ પર નજર રાખશે. સ્થાનિક પરિબળો ઉપરાંત વિદેશી ભંડોળનો પ્રવાહ પણ બજારની દિશાને અસર કરશે, એમ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો: GST Collection: સ્ટેટ્સ GST કલેક્શન ચાલુ નાણાકીય વર્ષમાં 25 ટકા વધ્યું: SBI રિસર્ચ
મોનેટરી પોલિસી કમિટીની બેઠક પર નજર: ગયા અઠવાડિયે બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સમાં 1,464.42 પોઈન્ટ અથવા 2.54 ટકાનો વધારો થયો હતો. શુક્રવારે સેન્સેક્સ 1,031.43 પોઈન્ટ અથવા 1.78 ટકાના વધારા સાથે 58,991.52 પોઈન્ટ પર બંધ થયો હતો. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના રિટેલ રિસર્ચના વડા સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં બજાર રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટીની બેઠક પર નજર રાખશે. શુક્રવારે એશિયા, યુરોપ અને અમેરિકાના બજારો પણ સકારાત્મક વલણ સાથે બંધ થયા હતા.
અમેરિકન સેન્ટ્રલ બેંકનું ભાવિ વલણ: જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, રોકાણકારો MPC મીટિંગના પરિણામની સાથે PMI ડેટાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સિવાય તમામની નજર અમેરિકાના ખાનગી વપરાશના આંકડા પર રહેશે. તેના આધારે અમેરિકન સેન્ટ્રલ બેંકનું ભાવિ વલણ નક્કી કરવામાં આવશે.