મુંબઈ : 29 ડિસેમ્બર, શુક્રવારના રોજ ભારતીય શેરબજારની પાંચ દિવસની તેજીને બ્રેક લાગી છે. કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty સહિત Nifty IT તથા Bank પણ હળવા ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યા હતા. BSE Sensex 72,351 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty 21,738 ના મથાળે ખુલ્યો હતો.
પાંચ દિવસની તેજીને બ્રેક :29 ડિસેમ્બર, શુક્રવારના રોજ BSE Sensex ગતરોજના 72,410 ના બંધ સામે 59 પોઈન્ટના ઘટાડા સાથે 72,351 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગતરોજના 21,778 ના બંધની સામે 40 પોઇન્ટ ડાઉન 21,738 ના મથાળે ખુલ્યો હતો. ઉલ્લેખનિય છે કે, શરૂઆતી કારોબારમાં બંને મુખ્ય સૂચકાંક ઉતાર ચઢાવ વચ્ચે ફુલ એક્શનમાં જોવા મળ્યા હતા.
સ્ટોકનું શરુઆતી પ્રદર્શન : શેરબજાર ખુલતાની સાથે જ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, ટાટા મોટર્સ, નેસ્લે ઈંડિયા અને એલ એન્ડ ટી શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે બીપીસીએલ, એપોલો હોસ્પિટલ, ડો. રેડ્ડીઝ લેબ્સ, ઓએનજીસી, ટાઈટન કંપની, પાવર ગ્રીડ અને SBI ના સ્ટોક નબળું પ્રદર્શન કરી રહ્યા છે. વ્યાપક બજારોમાં BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે 0.06 ટકા અને 0.16 ટકા વધ્યા હતા.
મોટા સમાચાર : ગતરોજ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત સરકાર પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો તેવી શક્યતા છે. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રુ. 10 અથવા તેથી વધુનો ઘટાડો થઈ શકે છે.
વૈશ્વિક કોમોડિટી બજાર : ડોલર ઇન્ડેક્સ રિકવરી સાથે 101 ની નજીક પહોંચ્યો છે. ક્રૂડ ઓઈલ 3% ગગડ્યો અને બ્રેન્ટ ક્રૂડ 77 ડોલરની નજીક પહોંચ્યો છે. લાલ સમુદ્રની સ્થિતિમાં સુધારાની આશા સાથે ક્રૂડ ઓઈલ 3% ગગડ્યો છે. ઘણી મોટી શિપિંગ કંપનીઓએ આ રૂટ પર પાછા ફરવાની જાહેરાત કરી હતી. મેટલમાં ઉપલા સ્તરે પ્રોફિટ બુકિંગ થયું છે. જ્યારે સોનામાં સુસ્ત કારોબાર જોવા મળ્યો છે.