મુંબઈ : ભારતીય શેરમાર્કેટમાં સતત ઉતાર ચઢાવ સાથે ભરપૂર એક્શન જોવા મળ્યું છે. આજે BSE Sensex 59 પોઈન્ટ અપ અને NSE Nifty 5 પોઈન્ટ ડાઉન ખુલ્યો હતો. જોકે અચાનક FFI અને DII ના બાઈંગ અને સેલિંગ પ્રેશરની અસર ભારતીય શેરબજાર પર થઈ હતી. શેરમાર્કેટના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 132 અને 36 પોઈન્ટ ઘટીને રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. દિવસ દરમિયાન સતત તેજીવાળા ઓપરેટરો અને મંદીવાળા ઓપરેટરો વચ્ચે હોડ જામી હતી.
BSE Sensex : આજે 7 ડિસેમ્બર ગુરવારના રોજ BSE Sensex ગતરોજના 69,635 બંધની સામે 59 પોઈન્ટ વધીને 69,694 ના મથાળે ખુલ્યો હતો. દિવસ દરમિયાન સતત ઉતાર ચઢાવ વચ્ચે 69,320 પોઈન્ટ ડાઉન અને 69,695 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. BSE Sensex વધારા સાથે ખુલ્યા બાદ સતત વેચવાલીના પગલે નીચે પટકાતો રહ્યો હતો. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 132 પોઈન્ટ ઘટીને 69,522 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.19 ટકાનો ઘટાડો દર્શાવે છે.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 36 પોઈન્ટ (0.17 %) ઘટીને 20,901 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ ગતરોજના 20,937 બંધ સામે આજે 20,932 ના મથાળે સપાટ ખુલ્યો હતો. ત્યારબાદ NSE Nifty 20,851 પોઈન્ટ સુધી ડાઉન અને 20,941 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર અને DII ના ટેકારુપી બાઈંગ વચ્ચે ઈન્ડેક્સ સતત ઉપર નીચે થતો રહ્યો હતો. જોકે ગતરોજ NSE Nifty ઈનડેક્સ 20,937 ના મથાળે લીલા રંગમાં બંધ રહ્યો હતો.
ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં પાવર ગ્રીડ કોર્પો (2.67 %), એનટીપીસી (1.35 %), અલ્ટ્રાટેક સિમેન્ટ (1.19 %), ટાઇટન કંપની (0.83 %) અને મારુતિ સુઝુકીનો (0.70 %) સમાવેશ થાય છે.
ટોપ લુઝર શેર : જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં ભારતી એરટેલ (-2.46 %), એચયુએલ (-1.80 %), ટાટા સ્ટીલ (-1.37 %), આઇટીસી (-1.06 %) અને લાર્સનનો (-0.91%) સમાવેશ થાય છે.
ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1193 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 933 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં ભારતી એરટેલ, રિલાયન્સ, ટાટા મોટર્સ અને એચયુએલના સ્ટોક રહ્યા હતા.