મુંબઈ : તારીખ 20 જુલાઈનો દિવસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રોકાણકારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. નેશનલ સ્ટોક એક્સચેન્જે (NSE) માહિતી આપી છે કે, 20 જુલાઈના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર માટે એક ખાસ પ્રી-ઓપન સેશનનું આયોજન કરવામાં આવશે. તે જ દિવસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ફાઇનાન્સિયલ સર્વિસ બિઝનેસ ડિમર્જ કરવામાં આવશે. નેશનલ સ્ટોક એક્સચેન્જે જાહેરાત કરી છે કે, RILના નાણાકીય સેવાઓના બિઝનેસ રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટને અલગ કરવા માટે કેપિટલ માર્કેટ સેગમેન્ટમાં એક વિશેષ સત્રનું આયોજન કરવામાં આવશે.
શેરની ફાળવણી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેની ડિમર્જર એન્ટિટી રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટના શેરની ફાળવણી માટે લાયક શેરધારકોને રેકોર્ડ ડેટ તરીકે 20 જુલાઈ નક્કી કરી છે. આ ડિમર્જર હેઠળ RILના શેરધારકોને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક શેર માટે તેની ડિમર્જ એન્ટિટી રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટનો એક શેર આપવામાં આવશે. રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ અથવા RSIL નું નામ બદલીને જીઓ ફાઇનાન્સિયલ સર્વિસિસ રાખવામાં આવશે અને તેના શેર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે. જોકે, સતત અપડેટ થતા પ્લાનને લીઈને કંપનીએ હાલ તો કોઈ સ્પષ્ટતા કરી નથી. જો આવા સાહસ પાછળનું ફંડ વધશે તો કંપની કોઈ મોટો નિર્ણય કરી શકે છે.
NCLT આપી મંજૂરી : સ્ટોક એક્સચેન્જમાં જીઓ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડના લિસ્ટિંગ તરફ એક મોટું પગલું જોવા મળ્યું હતું. જ્યારે 7 જુલાઈના રોજ NCLT એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી ડિજિટલ નાણાકીય સેવા કંપની જિયો ફાઈનાન્સિયલ સર્વિસીસ લિમિટેડના વિલયને મંજૂરી આપી હતી.
જીઓ ફાઇનાન્સિયલ સર્વિસીસ : આ અલગ એન્ટિટી જીઓ ફાઇનાન્સિયલ સર્વિસીસ તરીકે ઓળખાશે. તેને નિફ્ટી 50 માં સામેલ કરવામાં આવશે. આ સિવાય નિફ્ટી 100, નિફ્ટી 200, નિફ્ટી 500 ઈન્ડેક્સની સાથે અન્ય 18 સેક્ટરલ ઈન્ડેક્સમાં સામેલ કરવામાં આવશે. તે નિફ્ટી એનર્જી અને નિફ્ટી ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં પણ સામેલ થશે. NSE એ જણાવ્યું છે કે, ડિમર્જ્ડ યુનિટને નિફ્ટી 50 અને અન્ય કેટલાક સૂચકાંકમાં ટૂંકા સમય માટે સમાવિષ્ટ કરવામાં આવશે જ્યાં સુધી તે સ્ટોક એક્સચેન્જમાં સત્તાવાર રીતે સૂચિબદ્ધ ન થાય.