મુંબઈ : હિન્દુસ્તાન યુનિલિવરે નાણાકીય વર્ષ 2023-24 ના પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. વાર્ષિક ધોરણે HUL ના નફામાં 8 ટકાનો વધારો થયો હતો અને તે રૂ. 2289 કરોડથી વધીને રૂ. 2472 કરોડ થયો હતો. ઉપરાંત HUL ની આવક 6.1 ટકાના ઉછાળા સાથે રૂ. 15148 કરોડ રહી હતી. EBITDA રૂ. 3521 કરોડ હતો. માર્જિનમાં 50 બેસિસ પોઈન્ટ વધીને 23.2 ટકા થયું છે. ઉલ્લેખનિય છે કે, HUL કન્ઝ્યુમર ગુડ્સ સેગમેન્ટમાં અગ્રણી કંપની તરીકેની નામના ધરાવે છે.
કુલ વેચાણમાં વધારો : BSE વેબસાઈટ પર આ અંગે સત્તાવાર માહિતી શેર કરી દેવાઈ છે. તે અનુસાર એકીકૃત ધોરણે Q1 માં કંપનીનું કુલ વેચાણ 6 ટકાના ઉછાળા સાથે રૂ. 15,267 કરોડ રહ્યું હતું. EBITDA રૂ. 3665 કરોડ હતો. એબિટડા માર્જિન 24 ટકા અને 30 બેસિસ પોઈન્ટ્સની મજબૂતાઈ નોંધાવી હતી. નેટ પ્રોફિટ 7 ટકાના ઉછાળા સાથે રૂ. 2556 કરોડ થયો હતો.
HUL સ્ટોક : હિન્દુસ્તાન યુનિલિવરનો શેર ગતરોજ 1.18 ટકાના વધારા સાથે રૂ.2703 પર બંધ થયો હતો. HUL ના સ્ટોક એક સપ્તાહમાં 1.83 ટકા, એક મહિનામાં 1 ટકા, ત્રણ મહિનામાં 8.45 ટકા અને ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 5.55 ટકા વધ્યો છે. છેલ્લા 52 સપ્તાહની ઊંચી સપાટી 2769 રૂપિયા અને નીચી સપાટી 2393 રૂપિયા રહી હતી.
વિવિધ બિઝનેસ : હિન્દુસ્તાન યુનિલિવરના હોમ કેર બિઝનેસે જૂન ક્વાર્ટર દરમિયાન ડબલ ડિજીટ ગ્રોથ નોંધાવી હતી. હોમ કેર બિઝનેસની આવકમાં 10%નો ઉછાળો નોંધાયો છે. આ સેગમેન્ટમાં ફેબ્રિક વોશ અને ઘરગથ્થુ ઉત્પાદનમાં ડબલ ડિજિટમાં વધારો થયો છે. હોમ કેર સેગમેન્ટે પ્રથમ ક્વાર્ટરમાં 18%નું માર્જિન નોંધાવ્યું છે. આ ઉપરાંત બ્યૂટી એન્ડ પર્સનલ કેર બિઝનેસમાં 4 ટકા રેવન્યૂ ગ્રોથ જોવા મળ્યો છે. આ સેગમેન્ટમાં માર્જિન 26% રહ્યા છે.