મુંબઈ : 4 જુલાઈ શુક્રવારના રોજ BSE Sensex અને NSE Nifty અનુક્રમે 212 અને 80 પોઈન્ટના ઉછાળા સાથે ખુલી રોકાણકારોમાં સારા પ્રોફીટની આશા જગાવી હતી. દિવસ દરમિયાન તેજીના વલણને જાળવી રાખી શેરમાર્કેટમાં ખૂબ સારી રિકવરી આવી છે. BSE Sensex 480 પોઈન્ટના ઉછાળા સાથે 65,721.25 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે NSE Nifty ઈનડેક્સ પણ લગભગ 135 પોઈન્ટ વધીને 19,517 પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, ચાલુ અઠવાડિયામાં બંને ઇન્ડેક્સમાં ભારે ઉતાર-ચડાવ જોવા મળ્યા હતા. સપ્તાહની શરુઆતમાં સારા પ્રદર્શન બાદ છેલ્લા ત્રણ દિવસમાં શેરમાર્કેટમાં જોરદાર ગાબડું પડ્યું હતું. જેના પરિણામ સ્વરુપ માર્કેટ કેપ ડાઉન ગયો હતો. ઉપરાંત રોકાણકારોને કરોડો રુપીયાનું નુકસાન થયું હતું. જોકે, સપ્તાહના અંતે રોકાણકારોને આંશિક રાહત મળી છે.
BSE Sensex : આજે 4 જુલાઈ શુક્રવારના રોજ BSE Sensex 212 પોઇન્ટ ઉછળીને 65,453 પર શરુઆત કરી હતી. દિવસ દરમિયાન તેજીના વલણને જાળવી રાખી ટ્રેડીંગ સેશનના અંતે BSE Sensex 480 પોઈન્ટનો હનુમાન કૂદકો મારી 0.74 ટકા બદલાવ સાથે 65,721.25 પોઈન્ટ પર બંધ થયો હતો. આજના ટ્રેડીંગ સેશન દરમિયાન BSE Sensex 65,387.18 ડાઉન જઈને મહત્તમ 65,799.27 ની ઊંચાઈ પર પહોંચ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ગતરોજ BSE Sensex 65,240.68 પોઈન્ટ પર બંધ થયો હતો.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 135 પોઈન્ટ વધીને 19,517 પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 19,462.80 પોઈન્ટ પર ખુલ્યો હતો. જોકે, દિવસ દરમિયાન બજારના જોરદાર પ્રદર્શન બાદ 19,538.85 પોઈન્ટની ઊંચાઈ અને ડાઉન 19,436.45 સુધી જ ગયો હતો. ગતરોજ Nifty NSE Nifty ઈનડેક્સ 19,381.65 પોઈન્ટ પર બંધ થયો હતો.
ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિ વિદેશી રોકાણકારોને આકર્ષવાનું ચાલુ રાખે છે. પરંતુ તાજેતરમાં જ્યારે ફિચે યુએસને ડાઉનગ્રેડ કર્યું ત્યારે મુશ્કેલી આવી હતી. જેના કારણે યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો થયો હતો અને ડોલર ઇન્ડેક્સ પણ વધ્યો હતો. જેના કારણે વિશ્વભરના શેરબજારોમાં ઘટાડો નોંધાયો હતો. આગામી સપ્તાહે રિયલ્ટી, બેંકિંગ અને ફાઇનાન્સિયલ દબાણ હેઠળ રહેવાની શક્યતા છે. નિફ્ટીમાં 19290 ની નીચેનો કોઈપણ ઘટાડો બેન્ચમાર્ક 19030 સુધી નીચે ધકેલશે. જ્યારે 19540 ની ઉપરની તેજી અથવા 19430 થી ઉપર સાપ્તાહિક બંધ થવાથી બુલ્સે ગુમાવેલું ગ્રાઉન્ડ પરત મેળવવાની આશા જીવંત રહેશે.-- આસિફ હિરાણી (ડિરેક્ટર, ટ્રેડ બુલ્સ સિક્યુરિટીઝ)
ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં એલઆઈસી હાઉસિંગ ફાઈન (8.19 %), ઈન્ફો એજ (7.69 %), જ્યુબિલન્ટ ફૂડ (5.27 %), વોડાફોન આઈડિયા (5.1 %) અને એમઆરએફ (4.04 %)નો સમાવેશ થાય છે.
ટોપ લુઝર શેર : જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં મહાનગર ગેસ (-5.75 %), આદિત્ય બિરલા એફ (-5.05 %), કમિન્સ (-4.52 %), મેટ્રોપોલીસ (-3.44 %) અને SBI (-2.91 %)નો સમાવેશ થાય છે.