અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના 200 અબજ ડૉલરના મુલ્યના ઉત્પાદકો પર આયાત ડ્યૂટી લાદવાની ચેતવણી આપી છે, જે ટ્રમ્પના ટ્વીટ પછી વિશ્વના તમામ સ્ટોક માર્કેટ ત્રણ દિવસથી સતત તૂટી રહ્યા છે. એક અંદાજ મુજબ વૈશ્વિક બજારોના 1.36 લાખ કરોડ ડૉલર ડુબી ગયા છે.
અમેરિકન સ્ટોક માર્કેટ પાછળ એશિયાઈ સ્ટોક માર્કેટ આજે નીચા મથાળે ગેપમાં જ ખુલ્યા હતા. જેનો ગભરાટ હતો, ભારતીય શેરોમાં તેજીવાળા ખેલાડીઓએ લેણના પોટલા છોડ્યા હતા. એફઆઈઆઈ છેલ્લા 10 દિવસથી નેટ સેલર છે, આજે પણ એફઆઈઆઈએ વેચવાલી કાઢી હતી. જો કે સામે સ્થાનિક નાણા સંસ્થાઓની ટેકારૂપી લેવાલી હતી, પણ તેની કોઈ માર્કેટ પર અસર જોવા મળી ન હતી.
આજે રીલાયન્સ(3.41 ટકા), કૉલ ઈન્ડિયા(2.53 ટકા), એનટીપીસી(2.33 ટકા), એશિયન પેઈન્ટ(2.29 ટકા) અને ભારતી એરટેલ(1.64 ટકા) સૌથી વધુ ગબડ્યા હતા.
જો કે આજે યશ બેંક 5.94 ટકા ઉછળી રૂ.170.30 બંધ રહ્યો હતો. તેની સાથે બજાજ ફાઈનાન્સ(1.64 ટકા), હીરો મોટો(1.17 ટકા), હિન્દુસ્તાન યુનીલીવર(0.87 ટકા) અને ટીસીએસ(0.75 ટકા) સૌથી વધુ ઊંચકાયા હતા.